ઈસ્લામાબાદ:પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં માલીખેલ વિસ્તારમાં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને સંયુક્ત ચોકીમાં ઘુસાડી દીધું હતું. જેના કારણે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા 12 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, "મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓએ બન્નુ જિલ્લાના મલીખેલ વિસ્તારમાં એક સંયુક્ત પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૈનિકોએ પોસ્ટમાં પ્રવેશવાના તેમના પ્રયાસને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યો.
12 જવાનો શહીદ થયા
ISPRના નિવેદનને ટાંકીને PTIએ કહ્યું કે, "આત્મઘાતી વિસ્ફોટને કારણે દિવાલનો એક ભાગ પડી ગયો અને નજીકના માળખાને નુકસાન થયું, જેના પરિણામે સુરક્ષા દળોના 10 સૈનિકો અને ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના બે સૈનિકો સહિત 12 સૈનિકો માર્યા ગયા."
હાફિઝ ગુલ બહાદુર જૂથે જવાબદારી લીધી
પાકિસ્તાની સેનાએ કહ્યું કે, ગોળીબારમાં છ આતંકીઓ પણ માર્યા ગયા. પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. APના અહેવાલ મુજબ, હાફિઝ ગુલ બહાદુર જૂથ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનના એક અલગ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી છે.