મુંબઈ:કબીર સિંઘમાં ખતરનાક અવતારથી સૌને ચોંકાવનાર શાહિદ કપૂર ફરીથી એક્શન ફિલ્મ દેવા સાથે ધૂમ મચાવવા આવી રહ્યો છે. દેવાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને અપેક્ષા મુજબ શાહિદની ફિલ્મનું આ ટ્રેલર ધમાકેદાર છે. ટ્રેલર જોતા એવું લાગે છે કે, શાહિદ પોલીસ ઓફિસર છે પરંતુ કાયદો અને વ્યવસ્થા પોતાના હિસાબે ચલાવે છે. શાહિદ ફરી એકવાર નીડર, ગુસ્સાવાળો અને ખતરનાક રોલ સાથે તૈયાર છે.
આવું છે શાહિદનું પાત્ર: શાહિદ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ દેવાના નિર્માતાઓએ શુક્રવારે તેનું ટ્રેલર રિલીઝ કર્યું. 2 મિનિટ 19 સેકન્ડથી વધુના આ વીડિયોમાં શાહિદને પોલીસ ઓફિસર તરીકે બતાવવામાં આવ્યો છે જે ગુસ્સાથી ભરેલો છે. રોશન એન્ડ્રુઝ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પૂજા હેગડે શાહિદ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. તેનું નિર્માણ ઝી સ્ટુડિયો અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.