મુંબઈઃ બોલિવૂડનો 'ભાઈજાન' સલમાન ખાન તેની બ્લોકબસ્ટર ફિલ્મો સિવાય મિત્રતા માટે પણ જાણીતો છે. કપૂર પરિવાર સાથે તેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. તેનું ઉદાહરણ ઈદના અવસર પર જોવા મળ્યું. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઈદ મનાવવા માટે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. સલમાનના ઘરેથી આલિયા અને રણબીરની એક તસવીર સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 'દબંગ' સુપરસ્ટાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ખાસ મીટિંગ માટે ગયા હતા. સલમાનની નજીકના વ્યક્તિએ સુપરસ્ટારના ઘરેથી રણબીર અને આલિયા સાથેની તેની તસવીરો શેર કરી હતી, જે થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. વાયરલ તસવીરમાં આલિયા સફેદ રંગના ફ્લોરલ સૂટમાં જોઈ શકાય છે. એનિમલ સ્ટાર બ્લુ ડેનિમ જેકેટ, સ્કાય બ્લુ ટી-શર્ટ સાથે મેચિંગ જીન્સમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. બંને પોતાના એક ફેન્સ સાથે કેમેરા માટે પોઝ આપતાં જોઈ શકાય છે.
ઈદના અવસર પર સલમાન ખાન ફેન્સને મળવા ગેલેક્સીની બાલ્કનીમાં પહોંચ્યો હતો. આ ખાસ દિવસે ભાઈજાને સફેદ રંગનો પઠાણી સૂટ પસંદ કર્યો હતો. ગયા વર્ષે જ, સુપરસ્ટારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ સલમાન બાલ્કનીમાં આ પહેલો દેખાવ હતો. આ દરમિયાન તેની સુરક્ષા પણ હાઈ એલર્ટ પર હતી.