હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા 2ની સ્ક્રીનિંગ દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં બુધવારે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે હૈદરાબાદના એક થિયેટરમાં સ્ક્રિનિંગ દરમિયાન ગૂંગળામણને કારણે એક મહિલાના મૃત્યુના સંબંધમાં તેની સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરી છે.
4 ડિસેમ્બરની રાત્રે અલ્લુ અર્જુન તેની નવી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'નો પ્રીમિયર શો જોવા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. આ શો માટે તે પોતાની અંગત સુરક્ષા સાથે થિયેટરમાં પહોંચ્યો હતો. પુષ્પરાજની એક ઝલક મેળવવા માટે સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારબાદ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો. ઘાયલ પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
5 ડિસેમ્બરના રોજ શહેર પોલીસે મૃતક મહિલાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.