અમદાવાદ: ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને શુક્રવારે જાહેર થયેલ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ત્રણ પુરસ્કાર જાહેર થયા છે. જેના કારણે ગુજરાતી ફિલ્મ ચાહકો, કલાકારો અને ગુજરાતી પ્રજા આનંદીત થઈ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ પુરસ્કારોનું આયોજન થાય છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે વિજેતાને કરાય છે. 1954થી દેશમાં ફિલ્મને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અપાય છે.
જાણો ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે:આ વર્ષે કચ્છ એક્સપ્રેસનો બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે, માનસી પારેખ ગોહિલને બેસ્ટ અભિનેત્રી તરીકે અને કોસ્ચ્યુમ માટે નિકી જોશીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. કચ્છ એક્સપ્રેસને નેશનલ સાથે સોશિયલ, એન્વાર્યમેન્ટલ ઇશ્યુઝ કેટેગરીમાં બેસ્ટ ફીચર ફિલ્મથી પુરસ્કૃત કરાઈ છે. કચ્છ એક્સપ્રેક્સ એ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે, જેને એક સાથે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયા હોય. કચ્છ એક્સપ્રેસ ફિલ્મના દિગ્દર્શક વિરલ શાહ છે. ફિલ્મના કલાકારો માં રત્ના પાઠક શાહ, માનસી પારેખ ગોહિલ, ધર્મેશ ગોહિલ, હર્શિલ સફારી મુખ્ય છે.
કોણ છે માનસી પારેખ ગોહિલ:કચ્છ એક્સપ્રેસમાં બેસ્ટ અભિનેત્રી તરીકે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા માનસી પારેખ ગોહિલ મૂળ મુંબઈમાં જન્મેલી અભિનેત્રી છે. જેને આરંભમાં ટીવી સિરિયલનાં અભિનય કર્યો હતો. સ્ટાર પ્લસની સુમિત સંભાલ લેગા ટીવી શ્રેણીમાં માયાના પાત્રના અભિનયના કારણે માનસી પારેખ ગોહિલ પ્રકાશમાં આવ્યા હતા. ઝી ચેનલના રિયાલીટી શો સ્ટાર યા રોક સ્ટારમાં ગાયક તરીકે વિજેતા થયેલા માનસી પારેખ ગોહિલે ગુજરાતી ફિલ્મો થકી પણ ઓળખ મેળવી છે. 38 વર્ષીય માનસી પારેખ ગોહિલે ગુલાલ, ડિયર ફાધર જેવી યાદગાર ફિલ્મોમાં પોતાના અભિનયનો પ્રકાશ પાથર્યો છે. 2008માં માનસી પારેખે જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. ગુજરાતી ફિલ્મો સાથે માનસી પારેખ ગોહિલે યે કૈસી લાઈફ હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.
કચ્છ એક્સપ્રેસ ફિલ્મનો વિષય શું છે:કચ્છ એક્સપ્રેસ ફિલ્મને કેન્દ્રસ્થાને મહિલા સશક્તિકરણ છે. મૂળ ગુજરાતી - કચ્છી ભાષામાં ફિલ્મના સંવાદો છે. જેમાં મોંઘીનું પાત્ર માનસી પારેખ ગોહિલ ભજવે છે. મોંઘી સામાન્ય ઘરની ગ્રામીણ પરિવેશ ધરાવતી મહિલા છે. જે ઘર સંભાળે છે. ફિલ્મમાં મોંઘીનો પતિ ધર્મેશ ગોહિલ તેની ઉંમરથી અડધી ઉંમરની સહકર્મચારી સાથે પ્રેમમાં પડે છે. અને મોંધીથી દૂર થતો જાય છે. મોંધીને જીવનમાં આ કારણે કંઈક કરવા માટે પ્રેરણા મળે છે. અને એ જીવનમાં તેની સાસુ રત્ના પાઠક શાહનો સંપૂર્ણ સહકાર મળે છે. મોંધી ત્યાર બાદ અનેક સંઘર્ષ કરીને સફળતાને પ્રાપ્ત થઈ આગવી ઓળખ ઉભી કરે છે. મોંધીનું પાત્ર આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણને યર્થાત કરે છે.
- નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'કચ્છ એક્સપ્રેસ'ને 3 એવોર્ડ્સ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન - Three awards each for Kutch Express