નવી દિલ્હી : યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI ભારત સહિત ઘણા દેશોમાં ઓનલાઈન વ્યવહારોનું માધ્યમ બની ગયું છે. ફક્ત શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓમાં પણ UPI દ્વારા વ્યવહારો વધી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મમાં ગ્રાહકોના હિત માટે સરકારે ઘણું કામ કર્યું છે. જોકે, ફરી એકવાર UPI સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર થયો છે.
UPI ટ્રાન્ઝેક્શન ID માટે નવી માર્ગદર્શિકા :નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા કેટલાક UPI ટ્રાન્ઝેક્શનોને નકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે NPCI દ્વારા UPI ટ્રાન્ઝેક્શન ID માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નવા નિયમો 1 ફેબ્રુઆરી, 2025 થી અમલમાં આવશે. હવે સ્પેશ્યલ કેરેક્ટર ધરાવતા UPI ટ્રાન્ઝેક્શન ID સાથેના નાણાકીય વ્યવહારો NPCI દ્વારા અવરોધિત કરવામાં આવશે.
સ્પેશ્યલ કેરેક્ટર ધરાવતા ટ્રાન્ઝેક્શન ID અમાન્ય :NPCI દ્વારા જાહેર નવા નિયમો અનુસાર, હવે ફક્ત આલ્ફાન્યુમેરિક અક્ષરોથી બનેલા UPI ટ્રાન્ઝેક્શન ID દ્વારા નાણાકીય વ્યવહારો કરી શકશે. આનો અર્થ એ છે કે UPI ટ્રાન્ઝેક્શન IDમાં A-Z અને a-z વચ્ચેના અક્ષરો અને 0-9 વચ્ચેના નંબરોનો ઉપયોગ થઈ શકે છે. આ સિવાય @, #, % અને $ વગેરે જેવા સ્પેશ્યલ કેરેક્ટર ધરાવતા UPI ટ્રાન્ઝેક્શન ID સ્વીકારવામાં આવશે નહીં.