મુંબઈ:RBIએ ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર ઘણા બધા નિયંત્રણો લાદ્યા છે. આ પછી, મુંબઈ સહિત દેશભરમાં ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની બહાર લોકોની કતારો જોવા મળી હતી, કારણ કે ચિંતિત ગ્રાહકો તેમના પૈસા ઉપાડવા માંગતા હતા. હવે RBIએ ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટરોને 12 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે અને SBIના ચીફ જનરલ મેનેજરને આ સમય દરમિયાન બેંકનું કામકાજ મેનેજ કરવા માટે એડમિનિસ્ટ્રેટર તરીકે અપોઈન્ટ કર્યા છે.
મુંબઈના અંધેરીમાં વિજયનગર શાખાની બહાર ખાતાધારકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ગ્રાહકો મૂંઝવણમાં છે કે તેઓને તેમના પૈસા ક્યારે મળશે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે, બેંક તેમના પ્રશ્નોનો જવાબ આપી રહી નથી અને તેની ગ્રાહક સહાય સેવાઓ અને એપ્લિકેશન્સ પણ કામ કરી રહી નથી. બેંકની બહાર એકઠા થયેલા મોટાભાગના લોકો વરિષ્ઠ નાગરિકો છે. બેંક અધિકારીઓએ કતારમાં ઉભેલા લોકોને કુપન આપી છે. તેમના મતે, ગ્રાહકો તેમના લોકરને એક્સેસ કરવા માટે આ કૂપનનો ઉપયોગ કરી શકે છે.
ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક, મુંબઈને ભારતીય રિઝર્વ બેંકની સૂચનાઓ ગુરુવારે કામકાજની સમાપ્તિથી અમલમાં આવી છે અને તે છ મહિનાના સમયગાળા માટે અમલમાં રહેશે અને તેની સમીક્ષા કરવામાં આવશે. ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક છેલ્લા બે નાણાકીય વર્ષથી ખોટનો સામનો કરી રહી છે. બેંકના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષમાં બેંકને 227.8 મિલિયન રૂપિયા અને નાણાકીય વર્ષ 2023માં 307.5 મિલિયન રૂપિયાની ખોટ થવાની ધારણા છે.