હૈદરાબાદ: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બે બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી છે. નેશનલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (NCBL), બેંગ્લોર (કર્ણાટક) ને કોસમોસ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (મહારાષ્ટ્ર) સાથે મર્જ કરવામાં આવશે. RBIએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ યોજનાને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે કલમ 44A ની પેટા-કલમ (4) હેઠળ આપવામાં આવેલી સત્તાના ઉપયોગથી મંજૂર કરવામાં આવી છે."
RBIએ કહ્યું કે, આ યોજના સોમવાર 6 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, NCBL શાખાઓ 6 જાન્યુઆરી, 2025થી કોસ્મોસ બેંકની શાખાઓ તરીકે કામ કરશે. NCBL બેંકના ગ્રાહકોને હવે Cosmos Bankમાં તમામ સેવાઓ મળશે. ખાસ છે કે, ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ સહિતના ઘણા મોટા શહેરમાં કોસમોસ બેંકની બ્રાન્ચ આવેલી છે.
અગાઉ 31 ડિસેમ્બરના રોજ, RBIએ અગાઉ જારી કરાયેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ કોસમોસ બેંક પર રૂ. 8.30 લાખનો નાણાકીય દંડ લગાવ્યો હતો. RBIએ જણાવ્યું હતું કે, બેંકે કેટલાક વ્યક્તિગત લોનધારકોને મંજૂર કરાયેલ ફ્લોટિંગ રેટ ટર્મ લોન પર ફોરક્લોઝર ચાર્જીસ લાદ્યા હતા.