નવી દિલ્હી:ભારતીય રેલ્વે ટેકનોલોજી દ્વારા તેની સેવાઓને સરળ બનાવવા માટે સતત કામ કરી રહી છે, જેથી મુસાફરોને સુવિધાજનક સેવાઓ પૂરી પાડી શકાય. જે અંતર્ગત રેલવેએ સ્વારેલ સુપરએપ લોન્ચ કરી છે. આ એક એવી સુપરએપ છે જે બહુવિધ રેલ સેવાઓ એક જ જગ્યાએ મેળવવા માટે તૈયાર કરવામાં આવી છે.
હાલમાં આ એપ ગુગલ પ્લે સ્ટોર પર પરીક્ષણ માટે ઉપલબ્ધ છે. રેલવે બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ફક્ત 1,000 યૂઝર્સ જ તેને ડાઉનલોડ કરી શકે છે. અમે પ્રતિભાવ અને પ્રતિસાદનું મૂલ્યાંકન કરીશું. ત્યારબાદ, વધુ સૂચનો અને ટિપ્પણીઓ માટે તેને 10,000 ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે."
રિપોર્ટ અનુસાર, રેલવેની આ સુપર એપ પર આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ બુકિંગ, પ્લેટફોર્મ અને પાર્સલ બુકિંગ, ટ્રેન પૂછપરછ, PNR પૂછપરછ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે.
સ્વરેલ એપનો અદ્ભુત યુઝર ઇન્ટરફેસ
રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે, "એપનો મુખ્ય ભાર સરળ અને શ્રેષ્ઠ યૂઝર ઈન્ટરફેસના માધ્યમથી યૂઝર અનુભવને ઉત્તમ બનાવવાનું છે. આ ન માત્ર તમામ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર સાંકળે છે પરંતુ યૂઝર્સને ભારતીય રેલની સેવાઓનું સંપૂર્ણ પેકેજ પૂરું પાડવા માટે ઘણી સેવાઓને પણ એકીકૃત કરે છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "રેલ્વે મંત્રાલય વતી સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) એ 31 જાન્યુઆરી, 2025 ના રોજ બીટા પરીક્ષણ માટે જાહેર જનતા માટે સુપરએપ રજૂ કરી છે. યુઝર્સ પ્લે સ્ટોર/એપ સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી શકે છે."
- અમદાવાદથી સુરત સહિત રેલવેએ રિઝર્વેશન વગરની 10 નવી ટ્રેન શરૂ કરી, જાણો રૂટ અને ભાડું
- યાત્રીગણ કૃપયા ધ્યાન દે... રેલ્વેનો આ નંબર સેવ કરી લો, જમવાથી લઈને ટિકિટ બુક સુધીની માહિતી WhatsApp પર મળશે