નવી દિલ્હી:યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થવાની સાથે જ ભારતીય ગ્રાહકોને ગોલ્ડ માર્કેટમાં તક મળી શકે છે. કારણ કે લગ્નની સિઝનની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. યુએસ ચૂંટણી પરિણામોને કારણે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં 6 ટકાનો ઘટાડો થયો છે, જે 4 નવેમ્બરથી અત્યાર સુધી 4,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી ગયા છે. કિંમતોમાં આ વધઘટે કદાચ ઘણા સોનાના ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ખાસ કરીને ભારતમાં લગ્નની સીઝનમાં શરૂ થઈ રહી છે. એવા સમય સામાન્ય રીતે સોનાની માંગ વધે છે.
હાલમાં કેટલો છે સોનાનો ભાવ?
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ભાવ પત્રક મુજબ 4 નવેમ્બરના રોજ 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 78518 રૂપિયા હતી, જે 15 નવેમ્બરે ઘટીને 73648 રૂપિયા થઈ ગયો છે. આમ તેમાં 4700 રૂપિયાથી વધુનો ઘટાડો આવ્યો છે. આવી જ રીતે જો ચાંદીની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો આવ્યો છે. 1 કિલો ચાંદીની કિંમત 4 નવેમ્બરે 94261 રૂપિયા હતી, જે 15 નવેમ્બરે 87103 રૂપિયા છે. આમ ચાંદીના ભાવમાં પણ 7379 રૂપિયાનો ઘટાડો થયો છે.
ભારતીય ગ્રાહકો માટે, સોનું એ માત્ર એક સંપત્તિ નથી પરંતુ એક સાંસ્કૃતિક વસ્તુ છે, જે લગ્નો, તહેવારો અને આર્થિક અનિશ્ચિતતા વિરુદ્ધ સુરક્ષા તરીકે જોડાયેલી છે. સોનાના ભાવમાં ઘટાડા સાથે, જે લોકોના પરિવારમાં લગ્ન થવાના છે તેઓ પણ આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જો કે, ETના અહેવાલ મુજબ, ભારતીય ગ્રાહકોએ ડિસેમ્બરના લગ્ન માટે હેવી બ્રાઈડલ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું ટાળી રહ્યા છે. તેમને આશા છે કે ભાવ વધુ ઘટશે. જ્વેલર્સના જણાવ્યા અનુસાર, ઘણા લોકો ખરીદી કરતા પહેલા સોનાના ભાવમાં વધુ એક ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. જ્વેલર્સ પણ સ્ટોક ભરવાનું ટાળી રહ્યા છે, કારણ કે જો સોનું ખરીદ્યા પછી ભાવ ઘટે તો તેમને નુકસાન થઈ શકે છે.