મહેસાણા: કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાના જ પિતરાઈ ભાઈના મળ માર્ગે એર કમ્પ્રેસર વડે હવા ભરી દેતા યુવકનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનામાં એર કોમ્પ્રેસરની પાઇપ વડે હવા ભરનાર યુવક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણાના કડી તાલુકાના નંદાસણ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતાં શ્રમિકે બીજા શ્રમિકના મળ માર્ગે હવા ભરી દેતા તેનું મૃત્યું થવાની ગંભીર ઘટના સામે આવી છે.
શું હતી સમગ્ર ઘટના ?
સમગ્ર ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો, બનાસકાંઠાના અલ્પેશ જેમલભાઈ વણકર અને તેનો પિતરાઈ ભાઈ પ્રકાશભાઈ છગનભાઈ વણકર નંદાસણ નજીક વડુ ગામે આવેલી લાયકા મેટલ કંપનીમાં શ્રમિક તરીકે નોકરી કરતા હતા. આ બંને યુવકો કંપનીમાં પ્લેટો ઉપરનો કલર સૂકવવા માટે એર કમ્પ્રેસર વાળી રબરની પાઇપનો ઉપયોગ કરી કલર સુકવતા હતા. દરમિયાન બાજુમાં અન્ય શ્રમિકો પણ બેઠા હતા ત્યારે 27 વર્ષીય મૃતક વણકર પ્રકાશભાઈને મળવા આવેલા લોકો સાથે તે વાતો કરતો હતો. આ દરમિયાન અચાનક તેનો પિતરાઈ અલ્પેશ પોતાના હાથમાં રહેલા કમ્પ્રેસર સાથે જોડાયેલી રબરની પાઈપ લઈને આવ્યો જેમાં હવાનું પ્રેશર ખૂબ જ હોવાનું પોતે જાણતા હોવા છતાં તેણે પ્રકાશના મળ માર્ગે અડાડી દીધી હતી. આમ કરવાથી હવાના પ્રેશરથી પ્રકાશના શરીરમાં હવા પ્રવેશી ગઈ જેના કારણે તેણે ઉલ્ટી થવા લાગી અને તે બેભાન થઈ ગયો હતો.
ત્યાર બાદ પ્રકાશને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, અને ત્યારબાદ અમદાવાદ સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ પ્રકાશ વણકરને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે આરોપી પિતરાઈ સામે ગુનો નોંધ્યો
સમગ્ર ઘટનાને પગલે મૃતકના સગા એ નંદાસણ પોલીસ મથકે અલ્પેશ વણકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્પેશની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.