અમદાવાદઃZomato ડિલિવરી એજન્ટના એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે અને સાથે-સાથે નિરાશ પણ કર્યા છે. આ વીડિયો અમદાવાદનો છે જેમાં એક ડિલિવરી બોય ફુડ પાર્સલ પહોંચાડવા માટે કમરડૂબ ઊંડા પાણીમાં ચાલતો જોઈ શકાય છે. વીડિયો સામે આવ્યા બાદ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, શું આવી કુદરતી આફતો દરમિયાન ડિલિવરી પ્લેટફોર્મ ગ્રાહકોને ફૂડ ઓર્ડર કરવાની મંજૂરી આપવી જોઈએ કે કેમ ?
આ વીડિયો સીએ વિકુંજ શાહ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને પાછળથી અન્ય એક્સ યુઝર અને રોકાણકાર નીતુ ખંડેલવાલ દ્વારા રિટ્વિટ કરવામાં આવ્યો હતો. વીડિયોને પોસ્ટ કરતાં ખંડેલવાલે લખ્યું, "અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ઝોમેટો ફૂડ ડિલિવરી કરી રહ્યું છે. હું દીપિન્દર ગોયલને વિનંતી કરું છું કે આ મહેનતુ ડિલિવરી પર્સનને શોધી કાઢો અને તેના સમર્પણ અને નિશ્ચય માટે તેને યોગ્ય પુરસ્કાર આપો."
વીડિયો 3 લાખથી વધુ વખત જોવાયો
આ વીડિયોને 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને આ સંખ્યા સતત વધી રહી છે. વીડિયો શેર થયા બાદ લોકો આ વીડિયોને લાઈક્સ આપી રહ્યાં છે અને તેના પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. જ્યારે કેટલાકે ડિલિવરી એજન્ટના સમર્પણની પ્રશંસા કરી છે, તો અન્ય લોકોએ પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન ખોરાકનો ઓર્ડર આપતા ગ્રાહક પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.