હૈદરાબાદ: ગયા શનિવારે રામોજી ફીલ્મ સીટી, ETV નેટવર્કના પ્રણેતા અને ઉદ્યોગપતિ રામોજી રાવનું નિધન થયું હતુ. આ દુઃખદ ઘટના બાદ ETV નેટવર્કમાં 20 વર્ષથી વધુ સેવા આપનાર ઉમેશ દેશપાંડેજીએ રામોજી રાવ સાથે તેમના શરુઆતથી અંત સુધીની તમામ બાબતોનું તેમની તેમની સોશિયલ મોડિયા પોસ્ટમાં વર્ણન કર્યું હતું, અને રામોજી રાવને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તેઓ હાલ મુંબઈના જન્મભૂમિ પ્રવાસી વર્તમાન પત્રમાં કાર્યરત છે, અને છેલ્લા ૨૮ વર્ષથી પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પત્રકાર તરીકેનો અનુભવ ધરાવે છે. તેઓ વિવિધ વિષયો પર બાર વર્ષથી મનોરંજક બ્લોગ પણ લખે છે. આ ઊપરાંત તેમણે ગુજરાતી નાટક તથા વાર્તા લેખન પર હાથ અજમાવ્યો છે.
ઉમેશ દેશપાંડેજીએ સોશિયલ મોડિયા પોસ્ટમાં લખ્યું કે, "ગયા શનિવારે ઉદ્યોગપતિ રામોજી રાવનું નિધન થયું, મારા જેવા અલગ દેશના વિવિધ ભાગોમાં રહેતા પત્રકારો તથા ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત લોકો તેમને યાદ કરે છે. કારણ કે, તેમને પહેલી વખત ટીવી ઇન્ડસ્ટ્રીમાં તક આપી હતી. હૈદરાબાદની રામોજી ફિલ્મ સીટી (આરએફસી) તથા તેમાં આવેલું ઇટીવી નેટવર્ક એક પાઠશાળા સમાન હતું, જ્યાં અમને કામ શીખવાના પૈસા મળતા હતા, મારા જેવા કંઈ કેટલાય લોકો માટે આ સપનાની નોકરી તેમણે સાવ સરળતાથી આપી દીધી હતી. હું સુરતના ન્યૂઝપેપરમાં પત્રકાર તરીકે કામ કરતો હતો ત્યારે મને ટીવી ન્યુઝ એન્કર બનવાનો શોખ હતો. કોલેજના મારા મિત્રો ઘણીવાર આ વાતને લઈ મારો મજાક ઉડાવતા. તે સમયે નૅશનલ ચેનલ તો છોડો લોકલ સીટી ચેનલમાં પણ નંબર લાગતો નહોતો, માત્ર ETV નેટવર્કમાં જ ઇન્ટરવ્યુ થતું હતું. એક વખત હું દિલ્હી ગયો હતો, ત્યાં પણ પાસ થયો નહીં. ત્યારબાદ હું બીજી વખત મુંબઈમાં પણ સિલેક્ટ થયો નહી. આખરે અમદાવાદમાં થયેલા ઇન્ટરવ્યૂમાં હું પાસ થયો હતો.
ETV નેટવર્કમાં 20 વર્ષથી વધુ સેવા આપનાર ઉમેશ દેશપાંડેજીએ રામોજી રાવ સાથે તેમના શરુઆતથી અંત સુધીની તમામ બાબતોનું તેમની સોશિયલ મોડિયા પોસ્ટમાં વર્ણન કર્યું (ETV BHARAT) મિનિ ઇન્ડિયા: મેં ક્યારેય રામોજી રાવનું નામ સાંભળ્યું ન હતું. મને પહેલી વખત સુરત થી 950 કિલોમીટર દૂર આવેલા હૈદરાબાદમાં નોકરી મળી હતી. હૈદરાબાદથી રામોજી ફિલ્મ સિટી જતા એક કલાક લાગતો. આ રામજી ફિલ્મ સિટી કુલ 2000 એકરમાં ફેલાયેલ છે. આમ તો અહીં ફરવા જતાં આખો દિવસ પણ ઓછો પડે તેવું છે. ત્યાં જ ETV નેટવર્કની વિવિધ ચેનલની ઓફિસ પણ આવી હતી. 2001માં હું જોડાયો ત્યારે તો etv ગુજરાતી ચેનલની ઓફિસની બિલ્ડિંગ તો હજી બનવા જઈ રહી હતી. તે નોકરી છોડે આજે ૨૦ વર્ષ થઈ ગયા, પણ હજુ એ મારી સૌથી યાદગાર નોકરી બની રહી છે. ઉડિયા, કન્નડા, તેલુગુ, મરાઠી ગુજરાતી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવી અલગ અલગ ભાષાઓની ચેનલો અહી છે. એક જ ફ્લોર પર જાણે મીની ઇન્ડિયા હોય તેવું લાગતું. આજે તો ETV તેલગુને બાદ કરતા બીજી બધી જ ટીવી ન્યૂઝ ચેનલો NEWS 18 નેટવર્ક દ્વારા ખરીદી લેવામાં આવી છે.
રામોજી રાવ: ચૅરમૅન રામોજી રાવ સાથે ક્યારેય મારો સીધો સંપર્ક થાયો અ હતો. વર્ષમાં એક વખત ચેનલની મિટિંગમાં તેઓ આવતા હતા. અથાણાથી માંડીને ચીટ ફંડ, ઇનાડુ ન્યુઝ પેપર અને ફિલ્મ પ્રોડક્શનથી લઈને હોટેલ સુધી કંઈ કેટલાય બિઝનેસમાં તેઓ જોડાયેલા હતા. એક રેશનલ એટીટ્યુડ ધરાવતા વ્યક્તિ તરીકે જાણીતા, મૂર્હત કે બીજ કોઈ અંધશ્રદ્ધામાં તેઓ માનતા ન હતા. ભલે પગાર ઓછો હોય પણ કર્મચારીઓને અન્ય તમામ સુવિધાઓ ત્યાં આપવામાં આવતી હતી. એક બીન ગુજરાતી હોવા છતાં ગુજરાતી ટીવી ઇન્ડસ્ટ્રીઝને આગળ લઈ જવાનું તેમણે વિચાર્યું. આજે જે કલર્સ ગુજરાતી ચેનલ છે એ પહેલા etv ગુજરાતીના નામથી ચાલતી હતી. જેમાં દર કલાકે પાંચ પાંચ મિનિટના ન્યુઝ આવતા. સવાર બપોર અને સાંજ અડધો અડધો કલાકના બે-બે ન્યુઝ બુલેટીન આવતા. જેમાં હું કામ કરતો હતો. મારી પોસ્ટ કોપી એડિટરની હતી, પણ અહીં તો વીડિયો એડિટિંગ કરવાનું હતું, જેમાં મને બહુ ફાવટ આવતી ન હતી. ટીવી ન્યુઝમાં આમ પણ લખાણ કરતા વિઝ્યુલ્સનું મહત્વ વધારે હોય. સુરત આકાશવાણી કેન્દ્રમાં કેઝ્યુલ એનાઉન્સર (રેડીયો જોકી) તરીકેની કામગીરી મદદરૂપ બની હતી. હું વોઇસ ઓવર સારું કરી લેતો. ગુજરાતીમાં લખાણ પણ અન્ય કરતા સારું હતું. આમ હું એક સ્ટેન્ડ બાય ન્યૂઝ એન્કર પણ બની ગયો. આમ મારુ એન્કર બનવાનું સપનું ETV માં સાકાર થયું હતુ.
તારા- સિતારા અને ગોવિંદા: etv ગુજરાતી ચેનલ સમાચાર કરતા એન્ટરટેનમેન્ટ ચેનલ વધુ હતી. તેનો એક ગેમ શો લખવાની જવાબદારી અચાનક રીતે મને મળી. ઘણી વખત ન્યુઝમાં કામ કરતો અને ફોન આવે કે આ ગેમની સ્ક્રીપ્ટમાં થોડો ફેર બદલ કરવાનો છે, તો ત્યાં પણ હું ભાગતો. etv ટીવી સિરિયલોના જે પહેલા પાંચ મુખ્ય એપિસોડ આવે એના પ્રિવ્યુ કરવાનું અને પછી એનો રિપોર્ટ લખવાનું કામ પણ હું કરતો હતો. ન્યૂઝ ચેનલમાં નોકરી હતી, પરંતુ મને એન્ટટેનમેન્ટ વધુ ગમતું હતું. વળી આવી તક, પૈસા અને ક્રેડિટ પણ રામોજી રાવની ચેનલમાં કામ કરતા મળી હતી. આવા જ એક ગેમ શોના શૂટિંગ પર હું જતો, ત્યારે ત્યાંના એક બંગલામાં શૂટિંગની ચહલપહલ જોઈ. જોયું તો ત્યાં ફિલ્મસ્ટાર સંજય દત્ત અને ગોવિંદા બન્ને હતા. ગોવિંદા મારો ફેવરિટ હીરો છે. તેથી હું ઘણા લાંબા સમય સુધી ત્યાં ઉભો રહ્યો હતો. એક વખત ગોવિંદાને રામોજી ફિલ્મ સીટીમાં આવેલી તારા- સિતારા હોટલ પાસેથી ચાલતા ચાલતા બંગલા સુધી આવતા જોયો હતો, પછી તો હું કેટલા દિવસ સુધી ત્યાંથી ચાલતા જતો હતો, પણ ક્યારેય ગોવિંદાની ઝલક જોવા ન મળી. આજે પણ 'એક ઓર એક ગ્યારા'નામની ફિલ્મ જોઉ , ત્યારે આ કિસ્સો યાદ આવે છે. ફિલ્મમા આ બંને કેરેક્ટરનું નામ તારા અને સિતારા હતું.
યુકેગુડા ડોર્મેટરી હોટલ: સુરતથી આવ્યો ત્યારે રામોજી ફિલ્મ સિટીના અંદરની ગેટ નજીક આવેલા ચાર માળની યુકેગુડા નામક ડોર્મેટરી હોટલમાં ઉતારો હતો. એક વિશાળ રૂમમાં આઠ ખાટલાઓ હતા સાથે એક નાનકડો કબાટ આપવામાં આવતો. શરૂઆતમાં તો છ મહિના મને અહી રાખ્યો પછી તો અંદાજે દોઢ વર્ષ સુધી હું અહીંયા જ રહ્યો હતો. હૈદરાબાદના વનસ્થલીપૂરમ ટેનામેન્ટ ભાડે રાખ્યુ હતું પરંતુ, મને અહીંયા જ પડી રહેવાનું ગમતું હતું. વળી સ્ટાફ ઓછો તેથી અમે રાતની શિફ્ટમાં આવીએ તો છેક બપોરે જતા. યુકેગુડાની હોટેલમા ફિલ્મમાં ડાન્સ સિકવન્સના એક્સ્ટ્રા આર્ટીસ્ટ હોય એ રીતે અમે રહેતા હતા. એટલે કોઈને કોઈ ફિલ્મી ગીતોના ડાન્સ સ્ટેપ્સની પ્રેક્ટિસ ચાલતી હોય. એક યુવાન "પંખીડા રે ઉડીને જજો પાવાગઢ રે એ ગીત" જોર જોરથી ગણગણતો એ મને બરાબર યાદ છે.
એરપોર્ટ પર બસ સ્ટેન્ડ: રામોજી ફિલ્મ સિટીમાં આમ તો ઘણાં લોકેશન ન હતા પરંતુ, આ એરપોર્ટનું લોકેશન યાદ છે. અમને હૈદરાબાદ લઈ જતી બસો ત્યાં જ ઉભી રહેતી અને એરપોર્ટની પાછળ નાની નાની દુકાનો હતી. જ્યાં ચા બિસ્કીટ મળતા. એરપોર્ટની બિલ્ડિંગની બીજી સાઇડ એક હોસ્પિટલ જેવો આકાર હતો તો ત્રીજી તરફ લાઈબ્રેરી હતી. ચોથી સાઇડ પર શું હતું એ યાદ નથી. અંદર જાઓ તો એરપોર્ટના વિવિધ કસ્ટમ ડિપાર્ટમેન્ટ અને એમાં એક વિમાન પણ હતું. જો કે આજે આટલા વર્ષો બાદ ત્યાં વિતાવેલા સાડા ચાર વર્ષે જીવનની ઘણી યાદગાર પળો આપી છે. ઇશ્વર રામોજી રાવના આત્માના શાંતી આપે એવી પ્રાથના.
- રામોજી ગ્રુપના સંસ્થાપક સ્વ.રામોજી રાવની સાડા સાત ફૂટની પ્રતિમાને આખરી ઓપ, અહીં થશે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા - statue of Ramoji Rao
- સીએમ રેવંત રેડ્ડી રામોજી રાવના ઘરે પહોંચ્યા, પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી - RAMOJI RAO