સુરત: ઉતરાયણ પર્વ હવે ખૂબ જ નજીક છે, ત્યારે એ પહેલા જ પતંગવીરો અત્યારથી જ પતંગ ચગાવવાનું શરુ કરી દીધું છે. ત્યારે ઘણા ખરા એવા પણ લોકો છે, જેમને પતંગ ચગાવતા નથી આવડતું, ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે, પતંગને લઈને આજથી 86 વર્ષ પહેલા સુરતમાં શહેરમાં પતંગ વિશેનું સૌથી વિસ્તૃત પુસ્તક લખાયું હતું.
'પતંગ પુરાણ'માં બારીક માહિતી: વર્ષ 1937માં હીરાલાલ કાપડિયાએ 'પતંગપુરાણ' નામના પુસ્તકમાં પતંગની દરેક બારીક માહિતી આપી હતી. 35-40 પેજના આ પુસ્તકમાં પતંગ બનાવવાની પદ્ધતિથી માંડીને તેને ચગાવવાની ટેકનિક સુધીની વિગતવાર માહિતી આપવામાં આવી છે. પુસ્તકમાં પતંગના આકાર, કિન્ના બાંધવાની રીત, હવાના પ્રવાહ મુજબ પતંગ ઉડાવવાની કળા અને પેચ લડાવવાની ટેકનિક જેવી મહત્વપૂર્ણ માહિતી સમાવવામાં આવી છે.
પતંગ વિશે વિગતવાર માહિતી: સુરતના રહેવાસી સંજય ચોક્સીને આ દુર્લભ પુસ્તક એક એન્ટિક બુક ડીલર પાસેથી મળ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, આ પુસ્તક એટલી વૈજ્ઞાનિક અને વિગતવાર રીતે લખાયું છે કે, તે વાંચ્યા પછી કોઈપણ વ્યક્તિ પતંગની કળામાં નિપુણ બની શકે છે. આ પુસ્તક સુરતીઓની પતંગ પ્રત્યેની અનન્ય પ્રીતિનું ઉત્તમ ઉદાહરણ છે.

ઉત્તરાયણની રજા પાછળનું રસપ્રદ કારણ: મુંબઈ હાઈકોર્ટના જજ અને સુરતના વતની નાનાભાઈ હરિદાસની પતંગ પ્રત્યેની પ્રીતિએ ભારતમાં ઉત્તરાયણની જાહેર રજાનો પાયો નાખ્યો હતો. પતંગના શોખીન એવા નાનાભાઈ દર વર્ષે 13મી જાન્યુઆરીએ રાત્રે સુરત આવી જતા અને 14મીની રાત્રે મુંબઈ પરત ફરતા હતા. ઉત્તરાયણના દિવસે તેઓ સુરતનો પોંક અને ઊંધિયું જેવી વાનગીઓનો સ્વાદ માણતા અને મિત્રો સાથે આખો દિવસ પતંગ ઉડાડતા હતા.

બ્રિટિશ રાણી પાસે રજા મંજૂર કરાવી: એક પતંગરસિક તરીકે નાનાભાઈ હરિદાસને લાગ્યું કે, સુરતીઓને પતંગ રમવા માટે એક દિવસની રજા મળવી જોઈએ. તેમણે પોતાના પદનો ઉપયોગ કરીને મહારાણી વિક્ટોરિયા સમક્ષ આ વાત રજૂ કરી અને મકરસંક્રાંતિના દિવસે જાહેર રજા મંજૂર કરાવી હતી. આમ, એક પતંગપ્રેમી જજના પ્રયાસથી ઉત્તરાયણની રજા અસ્તિત્વમાં આવી, જે આજે પણ સૌ પતંગરસિકો માણી રહ્યા છે.

આ પણ વાંચો: