નવી દિલ્હીઃવિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. વિજેન્દ્ર ગુપ્તાના નામનો પ્રસ્તાવ દિલ્હીના નવનિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૃહમાં રજૂ કર્યો હતો. જોકે, વિજેન્દ્ર ગુપ્તા અધ્યક્ષ બનતાની સાથે જ તેમને વિપક્ષના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. પરિણામ એ આવ્યું કે ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરવી પડી. વિજેન્દ્ર ગુપ્તાએ વારંવાર વિપક્ષને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયા નહીં. આખરે, સભ્યોને તેમની બેઠક પર બેસાડવા માટે, તેમણે પોતે જ તેમની બેઠક પરથી ઉઠવું પડ્યું.
વિજેન્દ્ર ગુપ્તા બન્યા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ
આજે સોમવારે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા બાદ જ્યારે મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ વિધાનસભા અધ્યક્ષનું નામ નક્કી કરવા માટે વિજેન્દ્ર ગુપ્તાનો પ્રસ્તાવ મૂક્યો, તો ત્યારે મનજિંદર સિંહ સિરસા, પ્રવેશ વર્મા, કુલવંત રાણા, રવિન્દ્ર ઈન્દ્ર રાવે સમર્થન આપ્યું હતું. પ્રોટેમ સ્પીકર અરવિંદર સિંહ લવલીએ તેમના સમર્થનમાં રહેલા સભ્યોને 'હા' કહેવા કહ્યું, તો શાસક પક્ષના સભ્યોએ એકસાથે હા પાડી, ત્યારબાદ પ્રોટેમ સ્પીકરે વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી. ત્યાર બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને વિપક્ષના નેતા આતિશી બંને વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની સાથે સ્પીકરની ખુરશી પર ગયા અને ચાર્જ સંભાળ્યો.
ગૃહમાં હોબાળાને લઈને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની પ્રતિક્રિયા (Etv Bharat) કેગનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવશેઃ ETV ભારત સાથે વાત કરતા વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે વિપક્ષ દ્વારા જે તસ્વીરો હટાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી. આજે પણ તેમની ઓફિસમાં શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરની તસવીરો છે. CAG રિપોર્ટ મંગળવારે વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવશે, જેના પર તેમણે કહ્યું કે તે એજન્ડામાં સામેલ છે. મંગળવારે, આમ આદમી પાર્ટી સરકાર દ્વારા પેન્ડિંગ તમામ 14 અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Etv Bharat)
'કોર્પોરેશનના કાઉન્સિલર અને ધારાસભ્ય તરીકે વિજેન્દ્ર ગુપ્તાજીએ જે અનુભવ મેળવ્યો છે, આશા છે કે, લોકતાંત્રિક પ્રક્રિયાથી તેઓ ગૃહનું સંચાલન કરશે. વિપક્ષના નેતા તરીકે, પણ તેમણે ઘણો સંઘર્ષ કર્યો, ઘણી વખત તેમને વિધાનસભામાંથી બહાર કરી દેવામાં આવ્યા, પરંતુ તેમની અધ્યક્ષતામાં,કોઈપણ સભ્ય સાથે આવી સ્થિતિ ન બને તે માટે તેઓ નિયમોનું પાલન કરીને ગૃહની કાર્યવાહી સારા માહોલમાં ચલાવશે.'' - રેખા ગુપ્તા, મુખ્યમંત્રી, દિલ્હી
વિપક્ષ નેતા આતિશી (Etv Bharat) આતિશીએ વિધાનસભા અધ્યક્ષને શુભકામનાઓ પાઠવી:વિપક્ષના નેતાએ આતિશીએ શુભકામનાઓ આપતાં કહ્યું કે, "તેમને દુઃખ એ વાતનું છે કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહની તસ્વીરો હટાવી દેવામાં આવી', આતિશીએ ગૃહમાં દલિત વિરોધી અને સિખ વિરોધી માનસિકતાનો પ્રશ્ન પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, આપના અધ્યક્ષ હોવાના નાતે વિધાનસભામાં દલિત વિરોધી, સિખ વિરોધી પગલું ભરાયું છે, મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ડૉ.આંબેડકર અને શહીદ ભગતસિંહની તસ્વીર હટાવાઈ છે, જે ભાજપની દલિત અને સિખ વિરોધી માનસિકતા છતી કરે છે.
સિરસાએ આતિશી પર સાધ્યું નિશાન:દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, આ દિવસે વિપક્ષના નેતાએ આવી વાતો ન કરવી જોઈએ. આજે એ આનંદની વાત છે કે વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે આ ફરિયાદ કરવાનો દિવસ નથી. આ માટે તકો મળશે. હાલ આ પ્રકારે અરાજકતાનું વાતાવરણ ન બનાવો.
ગૃહમાં શાસક-વિપક્ષના નારા
જો કે, આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગૃહમાં ભગત સિંહ અમર રહે, બાબા સાહેબ આંબેડકર અમર રહે, જેવા નારા લગાવતા રહ્યા. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ભાજપના ધારાસભ્યોએ ભારત માતા કી જય જેવા નારા લગાવ્યા હતા. આ હોબાળા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ તેમની ખુરશી પરથી ઉભા થયા અને પોતાની વાત કહી. મંગળવારે, ગૃહની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થશે અને તે લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધનથી પ્રારંભ થશે. સભ્યોને આ અંગે માહિતી આપવામાં આવી અને ત્યાર બાદ ગૃહની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ.