નવી દિલ્હી:લોકસભા ચૂંટણી 2024 પછી 24 જૂનથી શરૂ થયેલું 18મી લોકસભાનું પ્રથમ સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. લોકસભા સ્પીકરની ચૂંટણીમાં હાર બાદ વિપક્ષની નજર ડેપ્યુટી સ્પીકર પદ પર છે. ઓમ બિરલા બીજી વખત સ્પીકર બન્યા બાદ એવી ચર્ચા હતી કે ભાજપ એનડીએના સહયોગી પક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપી શકે છે. જોકે, શાસક પક્ષે ડેપ્યુટી સ્પીકર પદ પર વિપક્ષના દાવાને ફગાવ્યો નથી.
હવે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ડેપ્યુટી સ્પીકરના મુદ્દે TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી છે. ટીએમસીના સૂત્રોએ જણાવ્યું કે ફોન પર વાતચીત દરમિયાન સીએમ બેનર્જીએ ડેપ્યુટી સ્પીકર માટે અયોધ્યાથી નવા ચૂંટાયેલા સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદનું નામ સૂચવ્યું. અવધેશ પ્રસાદ ભાજપના લલ્લુ સિંહને લગભગ 55,000 મતોથી હરાવીને સાંસદ બન્યા છે.
ઈન્ડિયા ગઠબંધનમાં અવધેશ પ્રસાદના નામ પર વિચાર વિમર્સ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ, સપા અને કોંગ્રેસ અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર પદ માટે ઈન્ડિયા એલાયન્સના સંયુક્ત ઉમેદવાર તરીકે રજૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે ચર્ચા કરી છે, ટૂંક સમયમાં જ અન્ય સહયોગીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે.
17મી લોકસભામાં ડેપ્યુટી સ્પીકર નહોતા
બંધારણના અનુચ્છેદ 93માં એવી જોગવાઈ છે કે લોકસભા તેના બે સભ્યોને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટશે. જો કે, દેશની આઝાદી પછી પહેલીવાર બનેલી 17મી લોકસભામાં કોઈ ડેપ્યુટી સ્પીકર નહોતા. જો કે આ વખતે ભાજપ પાસે લોકસભામાં એકલા હાથે બહુમતી નથી. પીએમ નરેન્દ્ર મોદી એનડીએ સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ પણ આ વખતે મજબૂત સ્થિતિમાં છે. આ જ કારણ છે કે સંસદીય પરંપરા મુજબ વિપક્ષ ડેપ્યુટી સ્પીકર પદ પર દાવો કરી રહ્યું છે.
આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા, રાહુલ ગાંધી સરકાર સામે માંડશે મોરચો - President Address Debate