નવી દિલ્હી: સોમવારે સુપ્રીમ કોર્ટે RJD નેતા તેજસ્વી યાદવને તેમની કથિત ટિપ્પણી પાછી ખેંચીને યોગ્ય નિવેદન દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેજસ્વીએ કહ્યું હતું કે, 'માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે'. ન્યાયાધીશ એ.એસ. ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાની સંયુક્ત બેન્ચે તેજસ્ને નવું નિવેદન દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે.
આ મામલે આગામી સુનાવણી 5 ફેબ્રુઆરી પર કરવામાં આવશે. સંયુક્ત બેન્ચે કહ્યું, અમે અરજીકર્તાને યોગ્ય નિવેદન દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપીએ છીએ. તેજસ્વીએ 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી હતી. તેની કથિત ટિપ્પણી 'ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે' પાછી ખેંચી હતી.
સુપ્રીમ કોર્ટમાં તેજસ્વીની અરજી પર સુનાવણી ચાલી રહી છે. જેમાં તેજસ્વીએ રાજ્યની બહારની કથિત ટિપ્પણી બદલ અમદાવાદની કોર્ટમાં પડતર ફોજદારી માનહાનિની ફરિયાદને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. આરજેડી નેતાની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે અગાઉ ફોજદારી માનહાનિની ફરિયાદમાં કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. તેમજ અરજી દાખલ કરનાર ગુજરાતીને નોટિસ પણ પાઠવી હતી.