નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુરમાં પીડિતોની રાહત અને પુનર્વસનની દેખરેખ માટે ગયા વર્ષે રચાયેલી ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ સમિતિનો કાર્યકાળ છ મહિના સુધી લંબાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, મણિપુર રાજ્ય મે, 2023 થી જાતી હિંસા સામે ઝઝૂમી રહ્યું છે. જાતીય હિંસાને કારણે 200 થી વધુ લોકો માર્યા ગયા છે. ઉપરાંત કેટલાય લોકો ઘાયલ થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.
સમિતિનો કાર્યકાળ લંબાયો :મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સમિતિની મુદત 15 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગઈ હોવાની કોર્ટને જાણ કરવામાં આવ્યા બાદ તેનો કાર્યકાળ લંબાવ્યો હતો. ખંડપીઠે કહ્યું કે "જસ્ટિસ ગીતા મિત્તલની અધ્યક્ષતાવાળી સમિતિનો કાર્યકાળ છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે."
ત્રણ ભૂતપૂર્વ મહિલા જજની સમિતિ :જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મિત્તલ ઉપરાંત પેનલમાં બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) શાલિની પી. જોશી અને દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આશા મેનનનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે પીડિતોની રાહત અને પુનર્વસન અને વળતરની દેખરેખ માટે ત્રણ ભૂતપૂર્વ મહિલા હાઇકોર્ટ જજોની એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ફોજદારી કેસની તપાસ પર નજર :સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ વડા દત્તાત્રેય પડસાલગીકરને પણ ફોજદારી કેસોની તપાસ પર નજર રાખવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કમિટી તેના તમામ રિપોર્ટ સોંપશે. સુપ્રીમ કોર્ટે રાજ્યમાં મહિલાઓને નગ્ન ફેરવવાના વીડિયોને 'અત્યંત પરેશાન કરનાર' ગણાવ્યાના થોડા દિવસો બાદ આ પેનલની રચના કરવામાં આવી હતી.
- મણિપુર હાઈકોર્ટે મેઈતેઈ સમુદાયને ST અનુસૂચિમાં મૂકવાનો આદેશ રદ કર્યો
- સુપ્રીમ કોર્ટે મણિપુરમાં સુરક્ષા માટેના પગલાઓની માહિતી આપવા જણાવ્યું