અયોધ્યાઃરામ જન્મભૂમિ સંકુલમાં બની રહેલા શેષાવતાર મંદિરની નવી ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે. મંદિરના ગર્ભગૃહના પ્લેટફોર્મની ઊંચાઈ રામ મંદિરના ગર્ભગૃહના પ્લેટફોર્મની સમાંતર હશે. ભૂમિપૂજન બાદ બાંધકામ શરૂ થઈ ગયું છે ત્યારે બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટ કર્યું છે કે, શેષાવતાર સહિત સંકુલમાં નિર્માણ પામનારા તમામ મંદિરોમાંની મૂર્તિઓ સફેદ માર્બલની હશે. મંદિરનું સમગ્ર કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
રામલલાની મૂર્તિ કર્ણાટકના પથ્થરમાંથી બનેલી છે: શેષાવતારને લક્ષ્મણજીનો અવતાર માનવામાં આવે છે. તેથી જ રામ જન્મભૂમિ સંકુલમાં સર્વોચ્ચ સ્થાન પર શેષવતારનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મંદિરના ભૂમિપૂજન બાદ બાંધકામ માટે નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે, હવે તે મુજબ બાંધકામની કામગીરી ચાલી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે, રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહનું પ્લેટફોર્મ કે જેના પર રામલલા બિરાજમાન છે તે શેષાવતાર મંદિરના ગર્ભગૃહની ઊંચાઈ જેટલી હશે. ફરક એટલો જ હશે કે રામલલાની મૂર્તિ કર્ણાટકના પથ્થરમાંથી બનેલી શ્યામ રંગની છે. જ્યારે શેષાવતાર સહિત રામ મંદિર પરિસરમાં સ્થાપિત થનારી મૂર્તિઓ જયપુરના સફેદ આરસપહાણમાંથી બનાવવામાં આવશે.