નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેને સુપ્રીમ કોર્ટ (SC)માં એક સોગંદનામું દાખલ કર્યુ હતું જેમાં જણાવ્યું હતું કે, આલ્ફાન્યૂમેરિક નંબરો સહિત ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો ભારતીય ચૂંટણી પંચ (ECI)ને જાહેર કરવામાં આવી છે. એફિડેવિટ અનુસાર 21 માર્ચ, 2024ના રોજ, SBI એ ECIને પોતાની પાસે રાખેલા ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે 21 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડ યોજના સંબંધિત તમામ વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
KYC વિગતો જાહેર ન કરાઈઃ સોગંદનામામાં બેન્કે કહ્યું કે, રાજકીય પક્ષોના સંપૂર્ણ બેન્ક એકાઉન્ટ નંબર અને KYC વિગતો જાહેર કરવામાં આવી રહી નથી કારણ કે તેનાથી વિવિધ એકાઉન્ટ્સની સાયબર સુરક્ષા સાથે ચેડા થઈ શકે છે. એ જ રીતે ખરીદદારોની KYC વિગતો પણ સુરક્ષાના કારણોસર જાહેર કરવામાં આવી રહી નથી. એસબીઆઈએ આજે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડની તમામ વિગતો પૂરી પાડી દેવામાં આવી છે અને હવે તેને જાહેર કરવા માટે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.