નવી દિલ્હી :સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં પૈસા જમા ન કરવા બદલ સહારા ગ્રૂપને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સહારા ગ્રૂપને પૂરતી તક મળવા છતાં કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. રોકાણકારોના નાણાં પરત કરવા માટે સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. આ કેસમાં એક દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી ગુરુવારે નક્કી કરી છે.
સહારા ગ્રૂપને સુપ્રીમ ફટકાર :જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળ જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી સહિત ત્રણ જજોની બેંચે કહ્યું કે, 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને સહારા ગ્રુપે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. સેબી લગભગ 10,000 કરોડ રૂપિયાની માંગ કરી રહી છે. તમારે રકમ જમા કરાવી પડશે. અમે એક અલગ સ્કીમ ઈચ્છીએ છીએ, જેથી પ્રોપર્ટીનું વેચાણ પારદર્શક રીતે થઈ શકે. અમે આ પ્રક્રિયામાં સેબીને પણ સામેલ કરીશું.
સહારા ગ્રુપની દલીલ :સહારા ગ્રુપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ પ્રોપર્ટીના વેચાણ પર પ્રતિબંધના કારણે કોઈ તેને ખરીદવા આગળ નથી આવી રહ્યું. કંપનીને તેની સંપત્તિ વેચવાની તક આપવામાં આવી નથી. ખંડપીઠે કહ્યું હતું કે, 25,000 કરોડ જમા કરાવવાના આદેશ બાદ બાકીના 10,000 કરોડ રૂપિયા જમા કરાવવા માટે સહારા ગ્રુપને તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. એ કહેવું યોગ્ય નથી કે તમને મિલકત વેચવાની યોગ્ય તક આપવામાં આવી નથી.
બાકી રકમ 10,000 કરોડ :સેબીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ પ્રતાપ વેણુગોપાલે બેન્ચ સમક્ષ દલીલ કરી હતી. વેણુગોપાલે કહ્યું કે કંપની બાકીની રકમ ક્યારે ચૂકવશે તે અંગે સંપૂર્ણ અસ્પષ્ટતા છે. ખંડપીઠે સહારા ગ્રૂપને રેકોર્ડ પર જણાવવા કહ્યું કે તે રૂ. 10,000 કરોડની બાકીની રકમ કેવી રીતે જમા કરવાનો પ્રસ્તાવ મૂકે છે અને કઈ સંપત્તિ વેચીને આ રકમ જમા કરવામાં આવશે.