લખનઉઃકેન્દ્ર સરકારે પૂર્વ IAS અધિકારી અભિષેક સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. અભિષેકે ફિલ્મ અભિનેત્રી સની લિયોની સાથે આલ્બમમાં કામ કર્યું હતું. જેના કારણે તેઓ ખુબજ ચર્ચાઓમાં છવાયા હતાં. અભિષેક પહેલા ફિલ્મ અભિનેતા બનવા માંગતા હતા, પરંતુ હવે તેમણે જૌનપુરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું અભિયાન અલગ રીતે ચાલુ છે. અભિષેક ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મેળવવા ઇચ્છુક છે. અને આ દિવસોમાં જૌનપુરના લોકોને ફ્રી બસ સેવા દ્વારા અયોધ્યાના દર્શન કરાવવામાં આવી રહ્યા છે. તેઓ ખેડૂતો અને તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ રીતે મદદ પણ કરી રહ્યા છે.
રાજીનામું સ્વીકાર થયાં બાદ હવે ચૂંટણી લડી શકશેઃ IAS અધિકારી અભિષેક સિંહનું રાજીનામું ઉત્તર પ્રદેશના નિમણૂક અને કર્મચારી વિભાગની ભલામણ સાથે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT)ને મોકલવામાં આવ્યું હતું. નિમણૂક અને કર્મચારી વિભાગના સૂત્રોનું કહેવું છે કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન અભિષેક સિંહે તેમનું રાજીનામું સરકારને મોકલી આપ્યું હતું. પરંતુ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન કોઈપણ અધિકારીનું રાજીનામું સ્વીકારી શકાય નહીં. આવી સ્થિતિમાં, રાજ્યના નિમણૂક અને કર્મચારી વિભાગે કેન્દ્ર સરકારના ડીઓપીટી વિભાગને તેની ભલામણ મોકલી હતી. આખરે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. નિમણૂક વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે અને હવે તેઓ ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.