કટિહાર :કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' આજે બિહારથી બંગાળમાં પ્રવેશ કરશે. કટિહાર શહેરના મીર્ચાઈબારીથી પદયાત્રા કરી તેઓ શહીદ ચોક, ડીએસ કોલેજ અને પ્રાણપુર થઈને બિહાર-બંગાળ સરહદ પર સ્થિત માલદા જિલ્લામાં પ્રવેશ કરશે. આ યાત્રાને લઈને કોંગ્રેસના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શ્રીકૃષ્ણ બાબુને શ્રદ્ધાંજલિ અર્પી :આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના પ્રથમ મુખ્યપ્રધાન ડો. શ્રીકૃષ્ણ બાબુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા X હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, બિહારના પ્રથમ મુખ્યપ્રધાન 'બિહાર કેસરી' ડો. શ્રીકૃષ્ણ સિંહને તેમની પુણ્યતિથિ પર કોટિશ: નમન. રાજ્યના વિકાસમાં તેમના અનન્ય યોગદાન માટે આધુનિક બિહારના સર્જક તરીકે શ્રી બાબુજીને હંમેશા યાદ કરવામાં આવશે.
સીએમ નીતિશ પર નિશાન સાધ્યું :પૂર્ણિયાના રંગભૂમિ મેદાનમાં રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. સીએમ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, થોડું દબાણ પડતા જ નીતિશજી યુ-ટર્ન લઈ લે છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે.
ડાબેરી નેતાની ઉપસ્થિતિ : પૂર્ણિયાની જાહેર સભામાં ઘણા મોટા નેતાઓએ રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કર્યું હતું. CPI(ML)ના રાષ્ટ્રીય મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય પણ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા. ઉપરાંત છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ, પૂર્વ મંત્રી શકીલ અહેમદ, તારિક અનવર પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલ ગાંધી ફૂટબોલ રમ્યા :આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ સ્થાનિક યુવા ખેલાડીઓ સાથે ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં કોઢાના ચેથરિયાપીર પાસે કેટલાક યુવકો ફૂટબોલ રમી રહ્યા હતા, ત્યાંથી પસાર થતા રાહુલ ગાંધી ત્યાં રોકાયા અને તેમની સાથે ફૂટબોલ રમ્યા હતા.
- Bharat Jodo Nyay Yatra : ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણિયા પહોંચી, રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો
- Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળ પહોંચ્યા, ફરી શરૂ કરશે ભારત જોડો ન્યાય યાત્રા