મુંબઈઃ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાનનું નામ ફાઈનલ થઈ ગયું છે. ભાજપ કોર કમિટીની બેઠકમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવી છે. તેઓ ગુરુવારે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તમને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયાને 11 દિવસ થઈ ગયા છે.
આ સંબંધમાં આજે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં ભાજપ વિધાનસભ્ય દળની મહત્વની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી. શરૂઆતથી જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રીની રેસમાં આગળ હતું. અગાઉ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
બેઠક માટે મંગળવારે સાંજે મુંબઈ પહોંચેલા રૂપાણીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે વાતચીત કર્યા બાદ ધારાસભ્ય દળના નેતાનું નામ નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો સર્વસંમતિ હશે તો એક જ નામ પસંદ કરવામાં આવશે. મંગળવારે ફડણવીસ કાર્યપાલક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' ખાતે મળ્યા હતા. જે સરકારની રચના માટે ગત સપ્તાહે દિલ્હીમાં થયેલી ચર્ચા બાદ પ્રથમ રૂબરૂ બેઠક હતી.