મુંબઈ: મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા થયા પછી, મહાયુતિ દ્વારા હજુ સુધી મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દરમિયાન, એવા સમાચાર છે કે મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ સરકાર 5 ડિસેમ્બરે શપથ લેશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈના આઝાદ મેદાનમાં યોજાનાર સીએમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, "મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુરુવાર, 5 ડિસેમ્બર, 2024ના રોજ સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે."
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની સત્તાધારી મહાયુતિ ગઠબંધન ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે જીત્યું છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. 288 સભ્યોની વિધાનસભામાં ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. તેના સહયોગી શિવસેનાને 57 અને NCPને 41 બેઠકો મળી છે.