નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી વચ્ચે સીટોની વહેંચણીને લઈને મતભેદો ચાલુ છે. કહેવાય છે કે સમાજવાદી પાર્ટીની સીટોની માંગને લઈને મતભેદ છે. જો કે કોંગ્રેસે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે ગઠબંધનમાં કોઈ તિરાડ નથી. એ પણ કહ્યું કે, શનિવાર સાંજ સુધીમાં સર્વસંમતિ સધાઈ જશે અને ઉમેદવારોની સંપૂર્ણ યાદી બહાર પાડવામાં આવશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ શુક્રવારે આ માહિતી આપી હતી.
ઉમેદવારોની બીજી યાદી જાહેર
શુક્રવારે રાત્રે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ બીજી યાદીમાં 23 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારીએ કહ્યું કે, મહા વિકાસ અઘાડી આગામી વિધાનસભા ચૂંટણી એકસાથે લડશે અને આજે તમામ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લીધા બાદ ચેન્નીથલાએ કહ્યું કે, કોંગ્રેસના બાળાસાહેબ થોરાટ શનિવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી-એસપીના વડા શરદ પવારને મળીને તમામ મુદ્દાઓને ઉકેલશે.
મહા વિકાસ અઘાડીમાં સીટ શેરિંગ મુદ્દે મતભેદ
ચેન્નીથલાએ અગાઉ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર મહા વિકાસ અઘાડીમાં કોઈ સમસ્યા નથી. સમસ્યા મહાગઠબંધનમાં રહેલી છે. અમે સાથે છીએ અને અમે એક ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા છીએ. મહાગઠબંધનમાં ઘણી સમસ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું છે કે, અમે કેટલીક સીટોની માંગ કરી રહ્યા છીએ. અમને મળેલી બેઠકો પર અમે OBC (ઉમેદવારો) સાથે ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે પણ કહ્યું છે કે, પાર્ટી આજે તેની અંતિમ યાદી જાહેર કરશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે શુક્રવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક નવી દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં મળી હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, મહા વિકાસ અઘાડીમાં મતભેદો છે પરંતુ MVA દ્વારા તેમને ઉકેલવામાં આવશે. મહારાષ્ટ્ર પોતાનું જૂનું ગૌરવ પાછું લાવવા માટે વિધાનસભાની ચૂંટણી એકસાથે લડશે.
સમાજવાદી પાર્ટીએ કેટલી સીટો માંગી?
તમને જણાવી દઈએ કે MVAની સહયોગી સમાજવાદી પાર્ટી ચૂંટણી લડવા માટે ગઠબંધન પાસેથી વધુ સીટોની માંગ કરી રહી છે. સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના વડા અબુ આઝમીએ મહા વિકાસ આઘાડીને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, જો પાર્ટીને પાંચ બેઠકો નહીં આપવામાં આવે તો તેને 25 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવાની ફરજ પડશે.
અબુ આઝમીએ કહ્યું કે, મેં પાંચ સીટોની જાહેરાત કરી છે. મારે તેમના માટે આ પાંચ બેઠકો મળવી જોઈએ. હું નથી ઈચ્છતો કે મતોનું વિભાજન થાય. અમે વોટ ખાતર MVAમાં તિરાડ ઊભી કરવા માંગતા નથી. જો તેઓ અમને બેઠકો નહીં આપે તો પાર્ટી 25 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે. તમામ 288 બેઠકો માટે મતગણતરી 23 નવેમ્બરે થશે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105 બેઠકો, શિવસેનાએ 56 બેઠકો અને કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી. 2014માં ભાજપે 122 બેઠકો, શિવસેનાએ 63 અને કોંગ્રેસે 42 બેઠકો જીતી હતી.
આ પણ વાંચો:
- જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ કેસ: પંજાબના 7 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ
- "કેજરીવાલ પર હુમલો" AAP દ્વારા BJP પર ગંભીર આરોપ, ભાજપે કર્યો પલટવાર