દુબઈ/નવી દિલ્હી: દક્ષિણ કુવૈતના મંગાફ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાય છે. આ દુર્ઘટનામાં 40થી વધુ ભારતીય સહિત 49 લોકોના મૃત્યુ થયાં છે. ઘટનાને પગલે યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી બીજી તરફમાં આ દુર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, આ ઈમારતમાં બહારના દેશોના આશરે 195 જેટલા શ્રમિકો રહેતા હતાં. 42 મૃતક ભારતીય શ્રમિકોમાં 19 કેરળના હોવાની પુષ્ટી થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અલ-મંગાફ બિલ્ડિંગમાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા 49 છે, જેમાંથી 42 ભારતીય છે, બાકીના પાકિસ્તાની, ફિલિપિનો, ઇજિપ્તીયન અને નેપાળી નાગરિકો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન હોવાનું જણાય છે. અધિકારીઓએ જણાવ્યું કે કુવૈતના દક્ષિણ અહમદી ગવર્નરેટના મંગાફ વિસ્તારમાં બુધવારે સવારે છ માળની ઇમારતના એક કિચનમાં આગ લાગી હતી.
કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે બુધવારે સત્તાવાળાઓને એક એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાં મોટાભાગે ભારતીય કામદારોના રહેઠાણમાં લાગેલી આગની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને આ દુર્ઘટના માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતાં.
ગઈકાલે ફોરેન્સિક વિભાગના મહાનિર્દેશક મેજર જનરલ ઈદ અલ-ઓવૈહાને જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને 35 થી વધુ થઈ ગયો હતો, જેમાં 15 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ચારનું મૃત્યુ થયું હતું, એમ અંગ્રેજી દૈનિક અરબ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના ભારતીય નાગરિકો હતા, જેની ઉંમર 20 થી 50 વર્ષની વચ્ચે હતી.