થ્રિસુર: કેરળ પોલીસે એમ્બ્યુલન્સનો રસ્તો કથિત રીતે અવરોધિત કરતી કાર સામે કડક કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિશૂર જિલ્લાના એક કાર ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે અને તેના પર 2.5 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, આ ઘટના જિલ્લાના ચલકુડી શહેરમાં 7 નવેમ્બરના રોજ બની હતી અને કાર ચાલકે કથિત રીતે થ્રિસુર મેડિકલ કોલેજ જતી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો ન હતો. આ એમ્બ્યુલન્સ પોનાનીથી આવી રહી હતી.
હેલ્થ વર્કર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ એક સાંકડા ટુ-લેન રોડ પર બે મિનિટથી વધુ સમય સુધી કારનો પીછો કરતી રહી, પરંતુ કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો રસ્તો ન આપ્યો. આ દરમિયાન એમ્બ્યુલન્સ ડ્રાઈવર વારંવાર હોર્ન વગાડવા અને સાયરન વગાડવા છતાં કાર ચાલક ઈમરજન્સી વાહનનો રસ્તો અવરોધતો જોવા મળે છે.
વીડિયોના રૂપમાં નક્કર પુરાવા સામે આવ્યા બાદ, કેરળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કાર ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કર્યું અને તેના પર ભારે દંડ ફટકાર્યો.