શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આજે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના 23.27 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરના સાત જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. કાશ્મીર વિભાગમાં 16 મતવિસ્તાર છે. તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયન, ડીએચ પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ અને પહેલગામનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ વિભાગમાં તે આઠ મતવિસ્તારોને આવરી લેશે. જેમાં ઈન્દરવાલ, કિશ્તવાડ, પદ્દાર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલમાં મતદાન થઈ રહ્યું છે.
10 વર્ષ બાદ ચૂંટણી, મતદારોમાં ઉત્સાહ:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલુ છે. કિશ્તવાડમાં વોટ આપ્યા બાદ એક મતદાતાએ કહ્યું, 'આજે 10 વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે. અમે ઈચ્છીએ છીએ કે બેરોજગારી અને મોંઘવારીનો અંત આવે, તેને ધ્યાનમાં રાખીને અમે મતદાન કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે. ડોડામાં એક મતદાન મથક પર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. નેશનલ કોન્ફરન્સે ડોડા સીટ પરથી ખાલિદ નજીબને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ગજય સિંહ રાણાને, કોંગ્રેસે શેખ રિયાઝને અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) એ અબ્દુલ મજીદ વાનીને મેદાનમાં ઉતાર્યા છે.