જમ્મુ-કાશ્મીર : ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. બુધવારે રાત્રે તંગધાર અને કામકાડીમાં એન્કાઉન્ટર થયું હતું. આ જગ્યાઓ પર સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે સવારે રાજૌરી જિલ્લાના લાઠી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ ફસાયેલા છે. સુરક્ષા દળોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આતંકવાદીઓ સાથે અથડામણ :મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે લાઠી વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન જ્યારે સેનાની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ રીતે બંને પક્ષો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારની વાતને સમર્થન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે.
કુપવાડામાં 3 આતંકવાદીનું એન્કાઉન્ટર :કુપવાડા જિલ્લાના મછલ સેક્ટરના કાર્યક્ષેત્રમાંથી આતંકવાદીઓના એક જૂથ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ થઈ રહ્યો હોવાની બાતમી મળતાં, ભારતીય સેનાની 57 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને 53 પાયદળ બ્રિગેડે આ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સંકલિત ઓપરેશન શરૂ કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, બુધવારે રાત્રે લગભગ પોણા આઠ વાગ્યાના સુમારે સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ હતી.
ભીષણ ગોળીબાર :ઘૂસણખોરીની શક્યતા જોઈને સતર્ક સૈનિકોએ તરત જ ચાર્જ સંભાળી લીધો. આ દરમિયાન શંકાસ્પદ લોકો દેખાતા સુરક્ષા દળોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ગોળીબાર કર્યો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, માછિલ સેક્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, જોકે તેમના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી. તંગધારમાં એક બીજી ઘટનામાં એક આતંકવાદી માર્યા ગયાની આશંકા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તંગધારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે.
- મણિપુરમાં ફરી હિંસા, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર કર્યો હુમલો
- કાંગપોકપી જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ, પૂર્વ ધારાસભ્યની પત્નીનું મોત