રાજકોટઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં 3જી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના 2જા દિવસે મેદાન પર આશ્ચર્યજનક ઘટના બની હતી. જેમાં ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પિનર આર. અશ્વિનની એક મોટી ભૂલની સજા ટીમ ઈન્ડિયાને મળી છે. ફિલ્ડ અમ્પાયરે અશ્વિનને ડેન્જર એરિયામાં દોડવા બદલ દોષી ગણાવ્યો હતો. ટીમ ઈન્ડિયાને 5 રનનો દંડ ફટકાર્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની ટીમના ખાતામાં 5 રન ઉમેરાઈ ગયા છે. હવે જ્યારે ઈંગ્લેન્ડ તેની ઈનિંગની શરૂઆત કરશે ત્યારે શૂન્ય બોલ અને શૂન્ય વિકેટ હોવા છતાં તેના સ્કોર બોર્ડ પર પહેલા જ બોલથી 5 રન જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે 2જા દિવસના પહેલા સેશનમાં ભારત તરફથી આર. અશ્વિન અને ધ્રુવ જુરેલ બેટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની ઈનિંગની 102મી ઓવર ઈંગ્લેન્ડ તરફથી રિહાન અહેમદ બોલિંગ કરવા આવ્યો હતો. અશ્વિને તેની ઓવરના ત્રીજા બોલ પર બોલ રમ્યો અને તે રન બનાવવા દોડ્યો. આ દરમિયાન અશ્વિન પીચની વચ્ચે અજાણતાં દોડતો જોવા મળ્યો હતો. તે પીચના જોખમી વિસ્તારમાં દોડી રહ્યો હતો જ્યાં દોડવાની મનાઈ છે. આવી સ્થિતિમાં અમ્પાયરે તેને દોષિત ગણાવ્યો અને ભારતીય ક્રિકેટ ટીમ પર 5 રનનો દંડ ફટકાર્યો.