બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે સપ્ટેમ્બર 2023 માં જારી કરાયેલા સરકારી આદેશની માન્યતા પર સવાલ ઉઠાવતા લગ્ન પ્રમાણપત્રો જારી કરવાની વક્ફ બોર્ડની સત્તાને રદ કરી હતી. આ સસ્પેન્શન વકફ એક્ટ 1995 હેઠળ વકફ બોર્ડની સત્તાના અવકાશ અંગેની ચર્ચા વચ્ચે આપવામાં આવ્યું છે.
'ધ હેલ્પિંગ સિટીઝન' NGOના સ્થાપક એ આલમ પાશા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી બાદ કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો હતો. પાશાએ દલીલ કરી હતી કે, મુસ્લિમ યુગલોને લગ્નનું પ્રમાણપત્ર આપવા અંગે વક્ફ બોર્ડની કાર્યવાહી તેના કાયદાકીય અધિકારક્ષેત્રની બહાર છે.
આ અરજી ખાસ કરીને 30 સપ્ટેમ્બર, 2023 ના રોજના સરકારી આદેશને પડકારે છે, જેમાં મુસ્લિમ લગ્નો માટે લગ્ન પ્રમાણપત્ર આપવા માટે જિલ્લા વક્ફ બોર્ડને અધિકૃત કરવામાં આવ્યા હતા. પાશાએ દલીલ કરી હતી કે વકફ અધિનિયમ 1995, જે વક્ફ બોર્ડ માટે વૈધાનિક માળખાની રૂપરેખા આપે છે, તે બોર્ડને આવા કાર્યો કરવા માટે સત્તા આપતું નથી.
સરકારી હુકમ રદ કરવા અપીલ: તેમણે દાવો કર્યો હતો કે આ પગલું 'અલ્ટ્રા વાયર્સ' (કાનૂની સત્તાની બહાર) હતું અને કોર્ટને સરકારના આદેશને રદ કરવા વિનંતી કરી હતી. આ દરમિયાન તેમણે વક્ફ બોર્ડની કાનૂની જવાબદારીઓ અંગે પણ સ્પષ્ટતા માંગી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેની પ્રાથમિક ભૂમિકા વક્ફ મિલકતોનું સંચાલન કરવાની છે, લગ્નોને પ્રમાણિત કરવાની નથી.
હાઈકોર્ટનું નિવેદન: હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારી આદેશમાં સંભવિત ઓવરરીચની નોંધ લીધી અને વક્ફ બોર્ડને લગ્ન પ્રમાણપત્રની સત્તા સોંપવાના કાયદાકીય આધાર પર પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે કર્ણાટક સરકારને અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, આ અંગે વક્ફ બોર્ડની સત્તાને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે.