કોટ્ટાયમ: કેરળની એક અદાલતે સોમવારે ભાજપના નેતા અને પુંજરના ભૂતપૂર્વ ધારાસભ્ય પીસી જ્યોર્જને ભડકાઉ ભાષણના એક કેસમાં સાંજે 6 વાગ્યા સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતાં. જોકે પોલીસે બે દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે માત્ર ચાર કલાકનો સમય આપ્યો અને કહ્યું કે ત્યાર બાદ જ્યોર્જને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવે.
કોર્ટે કહ્યું કે વધુ તપાસ કે પુરાવા એકત્ર કરવાની જરૂર નથી. કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ જ્યોર્જની જામીન અરજી પર વિચાર કરવામાં આવશે.
કેરળ હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ પીસી જ્યોર્જે સોમવારે સવારે 11 વાગ્યે એરાટુપેટ્ટા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ટેલિવિઝન ચર્ચા દરમિયાન કથિત રીતે સાંપ્રદાયિક ટિપ્પણી કરવા બદલ પોલીસે તેની સામે કેસ નોંધ્યો હતો.
સોમવારે પીસી જ્યોર્જ સામેના કેસની કોર્ટમાં વિચારણા થઈ ત્યારે પોલીસે તેમની સામે નોંધાયેલા અગાઉના કેસના અહેવાલો રજૂ કર્યા. પીસી જ્યોર્જ ભાજપના નેતાઓ સાથે કોર્ટમાં પહોંચ્યા હતા. સવારથી જ તેમના ઘરે ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. પોલીસે નોટિસ પાઠવ્યા બાદ ભાજપે પોતાનું વિરોધ પ્રદર્શન મોકૂફ રાખ્યું હતુ.
પોલીસ છેલ્લા બે દિવસથી પીસી જ્યોર્જની તપાસ કરી રહી હતી. રવિવારે પોલીસે તેમની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ જ્યોર્જે હાજર થવા માટે બે દિવસનો સમય માંગ્યો.
પીસી જ્યોર્જે 5 જાન્યુઆરીએ ટીવી ડિબેટમાં મુસ્લિમો વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. પોલીસે યુથ લીગ એરાટુપેટ્ટા મંડલમ કમિટીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. કોટ્ટાયમ સેશન્સ કોર્ટ અને બાદમાં હાઈકોર્ટે પીસી જ્યોર્જની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
- ચૂંટણી કમિશનરની નિમણૂકને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સ્થગિત
- "મધ્યરાત્રિએ નિર્ણય લેવો અપમાનજનક છે" જ્ઞાનેશ કુમારની નિમણૂક પર રાહુલ ગાંધી નારાજ