કટક:ઓડિશાના કટક જિલ્લામાં એક કોલેજ વિદ્યાર્થિની પર કથિત સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. કટક પોલીસે આ કેસમાં એક સગીર સહિત છ લોકોની ધરપકડ કરી છે. કટકના ડીએસપી જગમોહન મીનાએ મીડિયાને જણાવ્યું કે પીડિત વિદ્યાર્થીએ 4 નવેમ્બરે બદમ્બાડી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ એસીપી સ્વસ્તિક પાંડાના નેતૃત્વમાં ઘટનાની તપાસ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી પર ઘણા દિવસો સુધી ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
પોલીસે 5 અને 6 નવેમ્બરે વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારના કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી હતી. પીડિતા પર બળાત્કાર કરનારાઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. યુવતીની ફરિયાદ અંગે માહિતી આપતા ડીએસપીએ કહ્યું કે આરોપીએ પીડિતાનો અશ્લીલ વીડિયો પોસ્ટ કરવાના નામે યુવતીને બ્લેકમેલ કરી અને તેને બે અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો.