શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાદર બેહીબાગ વિસ્તારમાં બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. એક ટોચની સુરક્ષા એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર, CRPF, આર્મી અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સંયુક્ત ટીમ ચોક્કસ સ્થાનની નજીક પહોંચી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો, જેના પગલે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ. સુરક્ષા દળોએ આતંકીઓને બેઅસર કરવા માટે સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.