નવી દિલ્હી:આજે અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે. આ જ કારણ છે કે, દેશભરમાં દશેરાના અવસર પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે દિલ્હીમાં લાલ કિલ્લાની બાજુમાં આવેલા રામલીલા મેદાનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું.
ઈકો ફ્રેન્ડલી સામગ્રીમાંથી પૂતળાઓ બનાવ્યા:તમને જણાવી દઈએ કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂ પહેલા મંચ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભગવાન રામ અને લક્ષ્મણની ભૂમિકા ભજવતા કલાકારોને તિલક લગાવ્યું અને તેમની પૂજા કરી હતી. ત્યારબાદ શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, અને પછી રામે રાવણની નાભિમાં તીર મારીને તેનો અંત કર્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળાઓ ઈકો ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન ભગવાન હનુમાનની ભૂમિકા ભજવનાર અભિનેતા વિંદુ દારા જણાવે છે કે,"મારો સંદેશ છે કે વડા પ્રધાન મોદીએ 'સબકા સાથ સબકા વિકાસ' કહ્યું છે. ભારત એક થઈ રહ્યું છે અને સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. અને તેણે વધુ સારું બનાવવાની જવાબદારી આપણા બધાની છે."
રાવણ દહનના કાર્યક્રમમાં રાજકીય પક્ષો:ઐતિહાસિક લાલ કિલ્લાની સામે માધવદાસ પાર્કમાં આયોજિત શ્રી ધાર્મિક લીલા સમિતિના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ રાવણ દહન કાર્યક્રમનો ભાગ બન્યા હતા.