નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ પાઠવી છે. ફેસબુક, યુટ્યુબ સહિત અન્ય કેટલાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ મોકલી છે. આ નોટિસ કોર્ટની કાર્યવાહી સંબંધિત વીડિયો કોન્ફરન્સિંગમાં નિયમોના ઉલ્લંઘનને લઈને પાઠવવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલની 28 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજરીનો એક ભાગ વીડિયો અને ઓડિયોમાં રેકોર્ડ કરવામાં આવ્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો. મહત્વપૂર્ણ છે કે, 28 માર્ચે અરવિંદ કેજરીવાલને પોલીસ કસ્ટડી દરમિયાન રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે સુનીતા કેજરીવાલ અને કેસમાં અન્ય પાંચ વ્યક્તિગત પ્રતિવાદીઓને પોસ્ટ્સ દૂર કરવા માટે પણ નિર્દેશ આપ્યો હતો અને સોશિયલ મીડિયા કંપનીઓને તે દિવસે રેકોર્ડ કરેલા વીડિયોના સંબંધમાં કોઈપણ વધુ પોસ્ટ અથવા રિપોસ્ટને દૂર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટ હવે આ કેસની સુનાવણી 9 જુલાઈએ કરશે.
જસ્ટિસ નીના બંસલ ક્રિષ્ના અને જસ્ટિસ અમિત શર્માની ડિવિઝન બેન્ચે સુનિતા કેજરીવાલ અને અન્ય લોકો સામે કથિત રીતે વીડિયો કોન્ફરન્સિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ PIL પર નોટિસ પાઠવી છે. આ પીઆઈએલ દિલ્હી સ્થિત વકીલ વૈભવ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમનો આરોપ છે કે મુખ્યમંત્રીની પત્ની અને અન્ય લોકોએ જાણીજોઈને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ વીડિયો કોન્ફરન્સિંગ નિયમોની અવગણના કરી હતી. અરજીમાં તપાસ કરવા અને કોર્ટની કાર્યવાહીના ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરનારાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે એસઆઈટીની રચનાની માંગ કરવામાં આવી છે.
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના સભ્યો દ્વારા કોર્ટની કાર્યવાહીનું ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. વધુમાં, પિટિશનમાં આવા અનધિકૃત રેકોર્ડિંગ્સના પુનરાવર્તન અને અનુગામી પ્રસારને રોકવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને દિશાનિર્દેશો જારી કરવા અને નિર્દેશોનું પાલન ન કરનાર કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી પર દંડ લાદવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
CM કેજરીવાલની કોર્ટ સમક્ષ માંગ, પત્ની સુનિતા મેડિકલ ચેકઅપ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહે - Arvind Kejriwal bail application