નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે રાત્રે ઈન્ડિયા એલાયન્સના ફ્લોર લીડર્સની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવા પર સહમતિ સધાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે એક નિવેદનમાં આ નિર્ણયની જાણકારી આપી હતી.
બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને પત્ર લખીને લોકસભામાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણય અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે અન્ય નિમણૂકો અંગે નિર્ણય હવે પછી લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ છેલ્લા 10 વર્ષથી ખાલી હતું, કારણ કે છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને વિપક્ષના નેતા માટે જરૂરી સંખ્યામાં બેઠકો મળી ન હતી. હવે 10 વર્ષ બાદ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવશે. લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ 99 બેઠકો જીતીને બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. વિપક્ષના નેતા પદ માટે દાવો કરવા માટે પાર્ટી પાસે 55 સાંસદ હોવા જરૂરી છે.