બિહારના બેગૂસરાયમાં વોટ આપ્યા બાદ ભાવુક થયા કન્હૈયા કુમાર (ETV Bharat Desk) બિહાર :બિહારની બેગૂસરાય લોકસભા બેઠક પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. વર્ષ 2019માં ગિરિરાજસિંહ સામે ચૂંટણી લડનાર કોંગ્રેસી નેતા કન્હૈયા કુમારે પણ બિહટમાં પોતાના વતન મકસદપુરમાં મતદાન કર્યું હતું. કન્હૈયા કુમારે બૂથ નંબર 228 બિહટ મકસદપુર પર પોતાનો મત આપ્યો છે. આ અવસરે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ચૂંટણી લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે, તેથી દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
કન્હૈયા કુમાર ભાવુક થયા :કન્હૈયા કુમારે કહ્યું કે, જો તમે લોકશાહીમાં માનતા હોવ તો મતદાર તરીકે તમારી પ્રથમ જવાબદારી છે કે તમે મતદાન કરો. કન્હૈયા કુમારે વધુમાં કહ્યું કે તેમના માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે મત આપવાના આ અવસર થકી મને ઘરે આવવાનો મોકો મળ્યો છે. આ દરમિયાન તે ભાવુક થતા કન્હૈયા કુમારે કહ્યું કે, જે સોસાયટી અને શાળામાંથી મેં અભ્યાસ કર્યો એ જ શાળામાં આવીને મતદાન કર્યું છે.
"મારા માટે, આ ભાવનાત્મક અને રાજકીય મૂલ્ય ધરાવતી જગ્યા છે. મારું બાળપણ આ સ્થાન પર વીત્યું છે. મેં આ શાળામાં અભ્યાસ કર્યો છે. અહીંથી મારી પાસે ઘણી યાદો છે." --કન્હૈયા કુમાર (કોંગ્રેસ નેતા)
પીએમ મોદીના રોડ શો પર ચાબખા : તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી બિહારમાં રોડ શો કરી રહ્યા છે. જેના પર કન્હૈયા કુમારે કહ્યું કે, શું પીએમ મોદી કોરોનાના સમયમાં લોકોને જોવા આવ્યા હતા ? હવે ચૂંટણી છે તેથી તે બિહાર આવી રહ્યા છે. તેમના રોડ શોથી બિહારને શું મળ્યું ? તેને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળ્યો ? શું દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા પહોંચી ગયા છે ? આ રોડ શોનો કોઈ અર્થ નથી.
કન્હૈયા કુમારની રાજકીય કારકિર્દી :ઉલ્લેખનીય છે કે કન્હૈયા કુમાર વર્ષ 2019 લોકસભા ચૂંટણી પહેલા CPI માં જોડાયા હતા. કન્હૈયા કુમાર તેમના ગૃહરાજ્ય બિહારની બેગુસરાઇ બેઠક પરથી લોકસભા ચૂંટણી પણ લડ્યા અને ભાજપના ગિરિરાજસિંહ સામે ચૂંટણી હાર્યા હતા. રાહુલ ગાંધીના કહેવા પર તેઓ વર્ષ 2021 માં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારબાદ ચર્ચા તેજ થઈ કે, 2024 લોકસભા ચૂંટણીમાં કન્હૈયાના નામ પર બેગુસરાઈ સીટ પર કોંગ્રેસ પોતાની મહોર લગાવી શકે છે. પરંતુ આ સીટ ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે CPI ના હાથમાં ગઈ. આ વખતે કન્હૈયા કુમાર ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડી રહ્યા છે.
- ઓમ બિરલાએ કોચિંગ માર્ગદર્શિકામાં ઉંમર અને વર્ગના અવરોધ પર કરી વાત, ગાઈડલાઈનને સામાન્ય ગણાવી
- YSRCP ધારાસભ્યએ મતદારને માર્યો થપ્પડ, શું થઇ રહ્યું છે આંધ્ર પ્રદેશમાં જાણો સંપૂર્ણ બાબત