પાકુડ(ઝારખંડ): રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળ બાદ ઝારખંડના પાકુડ જિલ્લામાં પહોંચી હતી. પશ્ચિમ બંગાળના રાજગ્રામની નજીક પાકુરની પત્થરઘટ્ટા બોર્ડર પર કૉંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની સન્માનમાં કાર્યકર્તાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજ્યા હતા.
ઝારખંડ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર અને પશ્ચિમ બંગાળ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વચ્ચે રાષ્ટ્રીય ધ્વજની આપ-લે કરવામાં આવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ નસીપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. જાહેર સભા સ્થળ પર પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ, રાજ્યના નવા મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેન, પ્રધાન આલમગીર આલમ, સાંસદ વિજય હંસદા સહિત ઘણા નેતાઓએ રાહુલ ગાંધી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આપ સૌ અમારી યાત્રાને ઊર્જા, તાકાત, પ્રેમ આપ્યો છે. તેના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી. ભાજપે દેશમાં નફરત અને હિંસા ફેલાવી છે. તેની સામે ઊભા રહેવા માટે અમારી વિચારધારા પ્રેમ અને ભાઈચારાને રજૂ કરી છે.
પાકુડમાં રાહુલે કહ્યું કે, નફરતના બજારમાં પ્રેમની દુકાન શરુ કરવી છે. તેથી જ અમે આ પ્રવાસમાં ન્યાય શબ્દ ઉમેર્યો છે. ગયા વર્ષે ઘણા લોકોએ અમને કહ્યું હતું કે જો તમે કન્યાકુમારીથી કાશ્મીર જશો તો બંગાળ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા રાજ્યો રહી જશે. અનેક લોકોએ અમને તે સમયે બીજી યાત્રા કરવાનું સૂચન કર્યુ હતું.
રાહુલે કહ્યું કે, ઝારખંડ, બંગાળ, ઓડિશા અને અન્ય રાજ્યોને સાંકળી લેવા અમે બીજી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી. તેમણે કહ્યું કે આજે ભારતમાં કરોડો લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. અહીં હજારો યુવાનો છે, તમને કદાપિ નરેન્દ્ર મોદીના ભારતમાં રોજગાર નહીં મળે. જેના મુખ્ય કારણો છે નોટબંધી, ખોટો GST વગેરે. જેઓ નાના અને મધ્યમ ઉદ્યોગો ચલાવે છે તેઓ નોટબંધીને લીધે GSTમાંથી દૂર થઈ ગયા. નરેન્દ્ર મોદી અને ભાજપે રોજગારની કમર તોડી નાખી. પરિણામ એ છે કે આજે ભારતમાં સૌથી વધુ બેરોજગારી છે.
રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર વાકપ્રહાર કરતા કહ્યું કે, મોદી ઈચ્છે છે કે યુવાનોને રોજગાર ન મળે અને ભારતના બે-ત્રણ-ચાર અબજોપતિઓ આ દેશની તમામ સંપત્તિના માલિક બની જાય. આ જ કારણ છે કે અમે યાત્રા દરમિયાન આર્થિક અન્યાય, સામાજિક અન્યાય, ખેડૂતો વિરુદ્ધ અન્યાય, આદિવાસીઓ વિરુદ્ધ અન્યાય પર ચર્ચા કરવા માંગીએ છીએ. તમારા હૃદયમાં રહેલ પીડાને અમે આ યાત્રા દ્વારા દેશની સામે રજૂ કરવા માંગીએ છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે આગામી દિવસોમાં અમે આપની વચ્ચે આવીશું, આપની સાથે વાત કરીશું, યુવાનો, ખેડૂતો, મજૂરો, આદિવાસી ભાઈ-બહેનોને કલાકો સુધી બેસીને સાંભળીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આપના વિચારો સાંભળવા માંગીએ છીએ. આપના વિચારો સમજાવવા માંગીએ છીએ. અમે અમારા વિચારો રજૂ કરવા નથી આવ્યા. તેમણે કહ્યું કે, તમે આવનારા દિવસોમાં અમારી સાથે આવો અને મેં કહ્યું તેમ તમે તમારા વોટ આપીને જે સરકાર પસંદ કરી, ભાજપે તે સરકારને છીનવવાનો પ્રયાસ કર્યો, તેને તોડવાનો પ્રયાસ કર્યો છે. મને એ કહેતા આનંદ થાય છે કે અમે બધા તેમના ષડયંત્રની વિરુદ્ધ ઉભા રહ્યા હતા. આજે આપણા મુખ્ય પ્રધાન અહીં હાજર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, એજન્સીઓ કેટલું દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ, સુબોધકાંત સહાય, ધારાસભ્ય પ્રદીપ યાદવ, બંધુ તિર્કી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શહજાદા અનવર, જલેશ્વર મહતો, જ્યોતિ સિંહ, પ્રદીપકુમાર બાલમુચુ, સુખદેવ ભગત, તનવીર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આલમગીર, માનસ સિંહા, બરકતુલ્લા ખાન, શ્રીકુમાર સરકાર, અભિજીત રાજ, અમીર હાશ્મી, ગુંજન સિંહ, મણિશંકર, મંઝૂર અંસારી સહિત અનેક નેતાઓ અને હજારો કાર્યકરો હાજર હતા.
- Dahod News : દાહોદમાં કોંગ્રેસ યુથ લક્ષ્ય 2024 ટ્રેનિંગ પ્રોગ્રામ, ભારત જોડો ન્યાય યાત્રા મિટિંગ યોજાઈ
- Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રેલીને સંબોધશે