નવી દિલ્હી:ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં મંગળવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટર પર એક પોસ્ટમાં અપોલો હોસ્પિટલને ટાંકીને કહ્યું કે, 96 વર્ષીય અડવાણીને મંગળવારે સવારે ઈન્દ્રપ્રસ્થની એપોલો હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, જુલાઈના પહેલા સપ્તાહમાં પણ અડવાણીની તબિયત બગડ્યા બાદ તેમને આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને થોડા દિવસો સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. તેમને ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.