બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વિભાજનના 20 દિવસ બાદ પણ ધાનેરાની જનતામાં વિરોધ અને આક્રોશ જોવા મળી રહ્યો છે, ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે મંગળવારે ધાનેરાના મામા બાપજી મંદિર સામે લોકોએ જન આક્રોશ સભાનું આયોજન કર્યું છે. આ સભામાં લોકો ઉપસ્થિત રહે અને તેમની માંગ સરકાર પૂર્ણ કરે તે માટે ઠેર ઠેર બેનરો અને ટેલીફોનિક સંવાદ સાથે સ્થાનિક રાજકીય અને ખેડૂતો દ્વારા સંદેશ મોકલવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા જિલ્લા તરીકે વાવ-થરાદ જીલ્લો બનાવવામાં આવ્યો છે. નવો જિલ્લો બનતા જ ક્યાંક લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક પ્રથમ દિવસથી જ વિરોધ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વિભાજન બાદ કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું, પરંતુ આ વિરોધ વચ્ચે હવે માત્ર ધાનેરાના લોકો જ સતત 20 દિવસથી વિરોધ કરતા નજરે પડી રહ્યાં છે.
લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અને તેને નવા જિલ્લા વાવ-થરાદમાં સમાવેશ ન કરવામાં આવે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી તેમની વાત સાંભળવામાં આવી નથી. જેના કારણે આવતીકાલે મંગળવારે ધાનેરામાં આવેલા મામા બાપજીના મંદિર સામે વિશાળ જન આક્રો સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારના લોકો ઉપસ્થિત રહે તે માટે અત્યારે તમામ ધાનેરાના વેપારીઓ, ગ્રામીણ વિસ્તારના લોકો માટે રાજકીય સ્થાનિક અને ખેડૂતો તેમને સભાઓ તેમજ રૂબરૂ મળી આમંત્રણ પાઠવી રહ્યા છે.
બીજી તરફ ધાનેરાની બજારોમાં પણ આ આક્રોશ સભાને લઈ મોટા-મોટા બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ સભાને લઈ અત્યારે ધાનેરામાં તૈયારીઓ પણ થઈ રહી છે, અને પોતાની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તે માંગ માટે લોકો કામે લાગ્યા છે. આ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, હિત રક્ષક સમિતિ સહિત સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવું પણ આયોજકો તરફથી જાણવા મળ્યું છે.