આસામ :રાહુલ ગાંધી હાલ આસામમાં ભારત જોડો ન્યાય યાત્રામાં છે. આ દરમિયાન ગતરોજ ગુવાહાટી પોલીસે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધ્યો હતો. જેના એક દિવસ પછી રાહુલ ગાંધીએ આજે ભાજપ શાસિત રાજ્ય આસામ પોલીસને પડકાર ફેંકતા કહ્યું કે, શક્ય તેટલા વધુ કેસ નોંધી લો, પરંતુ તેમ છતાં હું ડરીશ નહીં.
રાહુલ ગાંધીનો પડકાર : બારપેટા જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રાના સાતમા દિવસે જાહેર સંબોધનમાં રાહુલ ગાંધીએ આસામના મુખ્યપ્રધાન હિમંત વિશ્વ શર્માની ટીકા કરતા તેમના પર જમીન અને સોપારી સંબંધિત અનેક આક્ષેપો કર્યા હતા. ઉપરાંત તેમને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યપ્રધાન કરાર દેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ખબર નથી કે હિમંત વિશ્વ શર્માને કેવી રીતે વિચાર આવ્યો કે તેઓ કેસ દાખલ કરીને મને ડરાવી શકે છે. બને તેટલા વધુ કેસ નોંધો, વધુ 25 કેસ દાખલ કરો, તમે મને ડરાવી નહીં શકો. ભાજપ-આરએસએસ મને ડરાવી નહીં શકે.
પોલીસ FIR : મંગળવારના રોજ રાજ્યની રાજધાનીમાં હિંસાત્મક કૃત્ય બદલ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ સામે ગુવાહાટી પોલીસે એફઆઈઆર નોંધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ-આરએસએસ આસામની ભાષા, સંસ્કૃતિ અને ઈતિહાસને ભૂંસી નાખવા માંગે છે. તેઓ આસામને નાગપુરથી ચલાવવા માંગે છે, પરંતુ અમે તેને મંજૂરી આપીશું નહીં. આસામને આસામમાંથી જ ચલાવવામાં આવશે.
રાહુલ ગાંધીનો આક્ષેપ : રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, આસામમાં ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યારે હિમંત શર્મા તમારી સાથે વાત કરે છે ત્યારે તે તમારી જમીન ચોરી લે છે. જ્યારે તમે સોપારી ખાઓ છો ત્યારે તેઓ સોપારીના ધંધા પર કબજો લઈ લે છે. તેમણે કાઝીરંગા નેશનલ પાર્કમાં જમીન પણ લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હિમંત શર્માના દિલ નફરતથી ભરેલા છે.
કર્પૂરી ઠાકુરને શ્રદ્ધાંજલિ : દિગ્ગજ સમાજવાદી નેતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારતરત્નથી સન્માનિત કરવાના નિર્ણયને આવકારતા કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી એ જ કર્પૂરી ઠાકુરને સાચી શ્રદ્ધાંજલિ હશે. ભાજપ સરકાર દ્વારા 2011 માં કરવામાં આવેલ સામાજિક અને આર્થિક જાતિ ગણતરીના પરિણામોને છુપાવવા અને દેશવ્યાપી વસ્તી ગણતરી પ્રત્યે તેમની ઉદાસીનતા એ સામાજિક ન્યાય માટેના આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ છે.
જાતિગત વસ્તી ગણતરી : રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું કે, હું સામાજિક ન્યાયના અસાધારણ યોદ્ધા જનનાયક કર્પૂરી ઠાકુરજીને તેમની જન્મ શતાબ્દી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ ચોક્કસપણે ભારતનું અમૂલ્ય રત્ન છે અને તેમને મરણોત્તર ભારતરત્ન આપવાનો નિર્ણય આવકાર્ય છે. ભારત જોડો ન્યાય યાત્રાના પાંચ ન્યાયમાંથી એક ન્યાય અને સામાજિક સમાનતાનું કેન્દ્રબિંદુ ભાગીદારી ન્યાય છે. જેની શરૂઆત ફક્ત જાતિગત વસ્તી ગણતરી પછી જ શરૂ થઈ શકે છે. સાચા અર્થમાં આ પગલું જનનાયક કર્પૂરી ઠાકુરજી તથા પછાત અને વંચિતોના અધિકારો માટેના તેમના સંઘર્ષને પણ સાચી શ્રદ્ધાંજલિ હશે.દેશને હવે સાંકેતિક રાજનીતિની નહીં પરંતુ વાસ્તવિક ન્યાયની જરૂર છે.
- INDIA ગઠબંધન મોટો આંચકો, મમતાએ કહ્યું-બંગાળમાં ટીએમસી એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે
- Bharat Jodo Nyay Yatra: ન્યાય યાત્રા દરમિયાન હિંસાના મામલામાં રાહુલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ સામે FIR દાખલ કરવામાં આવી: હિમંતા