નવસારી: સતત બદલાતા વાતાવરણ સામે ઝઝૂમતા નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતોને દિવસે વીજળી ન મળવાને કારણે ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ સરકાર બે તબક્કામાં વીજળી આપે છે, પણ દીપડા અને ભૂંડના ભય વચ્ચે ખેડૂતોએ રાત્રિના અંધારામાં ખેતરમાં પિયત કરવાની મજબૂરી ઉભી થઈ છે.
દિવસે વીજળી ન મળતા રાત્રિમાં પિયત કરવાની મજબુરી
નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ન મળતા રાત્રિમાં પિયત કરવાની મજબુરી ઉભી થઈ છે. આ સ્થિતિમાં કુદરતી ખતરાઓ અને વીજ પુરવઠાની અસુવિધાએ તેમને વધુ કફોડી પરિસ્થિતિમાં મૂક્યા છે. નવસારીના પૂર્વ વિસ્તારોમાં મુખ્ય પાકો ડાંગર, શેરડી અને બાગાયતી પાક છે, જ્યાં નદીકાંઠે દીપડા અને ભૂંડનો ઉપદ્રવ વધ્યો છે.
રાત્રિ દરમિયાન સિંચાઈ કરતી વખતે આ પંથકના ખેડૂતોમાં જીવનો ખતરો બરાબર જેવી સ્થિતિ પેદા કરી છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વિજ પુરવઠા માટે સમયગાળો નિર્ધારિત થયો છે, પરંતુ નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતોને 8 કલાકની વીજળી પણ અડચણભર્યા સમયમાં મળે છે. આ અયોગ્ય આયોજનથી પાકમાં નુકસાન થાય છે.
ખેડૂતોના પ્રયત્નો
આખા જિલ્લાની રજૂઆતો છતાં પૂર્વના ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના સંપૂર્ણ રીતે અમલમાં આવી નથી. GETCO દ્વારા મર્યાદિત વીજળીની જોગવાઇના પગલે ખેડૂતોમાં રોષ વધ્યો છે. કિસાન સૂર્યોદય યોજનાના અમલ માટે ચોમાસા પહેલાં પ્રયત્નો શરૂ કરવાની ખાતરી આપી છે. પરંતુ જ્યારે ન્યાયપ્રાપ્તિમાં વિલંબ થાય છે, ત્યારે સરકારના દાવા અને ખેડૂતોના સપનામાં અંતર વધે છે.
ખેડૂતો સાથે અન્યાય કેમ ?
નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓના ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્યને અનેકવાર રજૂઆતો કરીને સરકારમાં પોતાની વ્યથા પહોંચાડી છે, તેમ છતાં કિસાન સૂર્યોદય યોજનાનો સૂર્ય ન ઉગતા ખેડૂતોમાં રોષ છે. જોકે યોજના હેઠળ નવસારીના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન ખેડૂતોને વીજ પુરવઠો મળે છે. ત્યારે ખેડૂતો સાથે અન્યાય કેમ ?
પ્રશ્ન ખેડૂતોના માનસમાં ઉઠી રહ્યો છે
એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયાસો કરી રહી છે. સાથે જ ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતી અપનાવી વાતાવરણ સામે બાથ ભીડી શકે એની તૈયારી છે. ત્યારે બીજી તરફ ખેડૂતોને સમયે વીજળી ન મળતા પડતી મુશ્કેલીનો નિવેડો લાવવામાં થતો વિલંબ સરકારી સપનાને ઝાંખપ લગાવી રહ્યો છે.
સંબંધીત અધિકારીઓએ કહ્યું અમે પ્રયત્નશીલ
સમગ્ર મામલે જેટકોના અધિકારી પી.એન.પટેલે જણાવ્યું હતું કે, નવસારીના પૂર્વ પટ્ટીના સીંગોદ, બુટલાવ, રાનકુવા, ટાંકલ જેવા ઘણા ફિડર ઉપર કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી થઈ ન હોવાની વાત સાચી છે, પરંતુ જેટકો સતત પ્રયત્નશીલ છે અને ચોમાસા પુર્વે પૂર્વના ગામડાઓને દિવસે વીજળી મળતી થાય એવા પ્રયાસો અમે કરી રહ્યા છે.