અમરાવતી:આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને પ્રખ્યાત અભિનેતા પવન કલ્યાણને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ અને અપમાનજનક સંદેશા મોકલવામાં આવ્યા હતા. કલ્યાણના કાર્યાલયના સ્ટાફે તાત્કાલિક નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ ઘટનાની જાણ કરી હતી. આ અંગે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુનેગારની ઓળખ અને ધરપકડ કરવા માટે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કલ્યાણ સાથે સંકળાયેલા રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયા પર ધમકીઓની નિંદા કરી છે. જેમાં ફોન કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વાંધાજનક ભાષાને ઉજાગર કરવામાં આવી છે. આ ઘટનાથી કલ્યાણની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
જનસેના પાર્ટીએ કહ્યું કે, આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને કથિત રીતે એક અજાણ્યા વ્યક્તિ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેની ઓફિસ પર ફોન કરીને તેને 'જાનથી મારી નાખવા'ની ધમકી આપી હતી. પાર્ટીએ સોમવારે કહ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ કલ્યાણને નિશાન બનાવીને વાંધાજનક મેસેજ પણ મોકલ્યા છે.