નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનનું પ્રખ્યાત અમૃત ઉદ્યાન શુક્રવારથી એટલે કે આવતીકાલથી જનતા માટે ખુલ્લુ મુકાઈ રહ્યું છે, આ ગાર્ડનના મુખ્ય આકર્ષણોમાં 225 વર્ષ જૂનું શીશમનું વૃક્ષ, એક પુષ્પ ઘડિયાળ અને એક 'સેલ્ફી પોઇન્ટ' સહિતના મુખ્ય આકર્ષણો છે. , આ પહેલાં અમૃત ઉદ્યાન મુગલ ગાર્ડન તરીકે ઓળખાતું હતું, આ ગાર્ડન દર વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે. આ ગાર્ડનને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના લોકો આવે છે. રાષ્ટ્રપતિના નાયબ માહિતી સચિવ નવિકા ગુપ્તાએ બુધવારે જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ ભવન જોવા માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. અમૃત ઉદ્યાન જોવા માટે 50,000 થી વધુ લોકોએ બુકિંગ કરાવ્યું છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુરુવારે અમૃત ઉદ્યાનમાં 'ઉદ્યાન ઉત્સવ 2024'નું ઉદ્ઘાટન કરશે.
અમૃત ઉદ્યાનમાં આકર્ષણ: ગુપ્તાએ કહ્યું કે મુલાકાતીઓની સુવિધા માટે કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી મફત બસ સેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, અમૃત ઉદ્યાનમાં આવનારા મુલાકાતીઓ માટે પ્રથમ વખત ટ્યૂલિપ્સનો થીમ ગાર્ડન પણ વિકસાવવામાં આવ્યો છે. પ્રવાસીઓ 'ડબલ ડિલાઇટ', 'સેન્ટિમેન્ટલ' અને 'ક્રિષ્ના' નામના ગુલાબની વિશેષ જાતો પણ જોઈ શકશે. બગીચાના ઈન્ચાર્જ અવનીશ બંસવાલે જણાવ્યું હતું કે આ વર્ષે મુખ્ય આકર્ષણોમાં 225 વર્ષ જૂનું શીશમ વૃક્ષ અને એક અનોખો 'અમૃત ઉદ્યાન લોગો' છે, જે સેલ્ફી પોઈન્ટ તરીકે પણ આકર્ષણ જમાવશે.