નવી દિલ્હી:મુંબઇ એરપોર્ટથી મિડલ ઇસ્ટની 2 અલગ અલગ શહેરો માટે ઉડાન ભરનારી ઇંડિગોની 2 ફ્લાઇટ્સમાં સોમવારે સવારે બોમ્બની ધમકી મળી છે. તેના થોડાક સમય પહેલા એર ઇન્ડિયાની મુંબઇથી ન્યૂયોર્કની ફ્લાઇટમાં પણ આ પ્રકારની ધમકી મળ્યા પછી તેને દિલ્હી તરફ વાળી લેવાઇ હતી.
સુરક્ષા પગલાંના ભાગરૂપે, બંને ઈન્ડિગો વિમાનોને અલગ-અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. ANIના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, અધિકારીઓને ઈન્ડિગોની મુંબઈથી મસ્કત જતી ફ્લાઈટ 6E 1275 અને મુંબઈથી જેદ્દાહ જતી ફ્લાઈટ 6E 56 પર બોમ્બની ધમકીની માહિતી મળી હતી. પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતા ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, 'મુંબઈથી મસ્કત જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1275 અને મુંબઈથી જેદ્દાહ જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E 56ને બોમ્બની ધમકી મળી છે.'
તેમણે કહ્યું, 'પ્રોટોકોલ મુજબ, એરક્રાફ્ટને એક અલગ સ્થાન પર ખસેડવામાં આવ્યું હતું અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરીને ફરજિયાત સુરક્ષા તપાસ તરત જ શરૂ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર મુસાફરોને નાસ્તો અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો.