દિસપુરઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વર્ષ 2024ના પદ્મ એવોર્ડના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. આ વિજેતામાં પાર્બતી બરુઆનું પણ નામ છે. પાર્બતી બરુઆ હાથીઓની પ્રથમ મહિલા મહાવત છે. પાર્બતી બરુઆને લોકો પ્રેમથી હસ્તિર કન્યા(હાથીની દીકરી) તરીકે ઓળખે છે. તેમણે સામાજિક કલ્યાણ(પશુ કલ્યાણ) માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. 67 વર્ષીય પાર્બતી બરુઆની વન્ય જીવો પ્રત્યેની કરુણા અને નિઃસ્વાર્થ સેવાને સરકારે સન્માન આપ્યું છે. પાર્બતી બરુઆ સાથે આસામના અન્ય 2 મહાનુભાવોની પણ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
પાર્બતી બરુઆનો જન્મ આસામના શાહી પરિવારમાં થયો હતો. પહેલાના વર્ષોમાં હાથીના માલિક હોવું તે ધનવાન હોવાની નિશાની ગણાતી હતી. પાર્બતીને નાનપણથી જ હાથી પ્રત્યે લગાવ હતો. તેણીએ પોતાના જીવનનો મોટો ભાગ હાથીઓના પ્રશિક્ષણ અને પાલનમાં જ વીતાવ્યો છે. 14 વર્ષની ઉંમરે તેમના સ્વર્ગસ્થ પિતા પ્રકૃતિશ ચંદ્ર બરુઆએ હાથીઓના પ્રશિક્ષણથી પાર્બતીનો પરિચય કરાવવાનું શરુ કર્યુ. તે જમાનામાં શાહી પરિવાર પાસે 40 હાથી હતા.
પાર્બતી બરુઆ હાથીઓ સાથે સંકળાયેલ અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. તેમણે 14 વર્ષની ઉંમરે જ એક હાથીના બચ્ચાને ઘરે લાવી. લાલન પાલન કરી ઉછેર્યો હતો. પાર્બતી બરુઆએ આસામ અને ઉત્તર બંગાળના જંગલોમાંથી 14 હાથીઓને પાળતુ બનાવ્યા હતા. પાર્બતીએ હાથીઓની દેખરેખ અને સારવારમાં સતત વન અધિકારીઓની મદદ કરી છે.