નવી દિલ્હી : પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તરફથી સ્પષ્ટ સૂચના મળ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આર્થિક ભાગેડુઓની મિલકત રિકવર કરવાના પ્રયાસો ઝડપી કર્યા છે. અત્યાર સુધીમાં મેહુલ ચોક્સી, નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો અને કેટલીક છેતરપિંડી કરનાર કંપનીઓ પાસેથી રૂ. 22,280 કરોડથી વધુની સંપત્તિ રિકવર કરવામાં આવી છે.
ભાગેડુઓ પાસેથી 22,280 કરોડ વસૂલ્યા :ED દ્વારા વસૂલ કરેલ નાણાં અને મિલકત પીડિતોને અથવા કાયદેસરના માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે ગૃહમાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પીડિત અથવા હકના દાવેદારોને 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ પરત કરી છે અને આર્થિક ગુનેગારો સામેની લડાઈ ચાલુ રહેશે.
વિજય માલ્યા પાસેથી 14,131 કરોડ વસૂલ્યા :વર્ષ 2024-25 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા નિર્મલા સીતારમણે કહ્યું કે, ભાગેડુ વિજય માલ્યાની લગભગ 14,131 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે. આને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યું છે.
નીરવ મોદી પાસેથી કેટલી રિકવરી :નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, નીરવ મોદી કેસમાં આશરે રૂ. 1,052.58 કરોડની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકોને પરત કરવામાં આવી છે, જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંથી એક સાથે સંકળાયેલી નાણાકીય છેતરપિંડી સામેની લડતમાં નોંધપાત્ર વિજય છે.