ડાકોરમાં દેવદિવાળીની ઉજવણીમાં માનવ મહેરામણ ઉમટ્યું - સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર
🎬 Watch Now: Feature Video
ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે વહેલી સવારથી જ ભાવિકોનું વિશાળ માનવ મહેરામણ ઉમટ્યું હતું. જેમાં સવારે 4.30 કલાકે મંગળા આરતીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ડાકોરમાં જોવા મળ્યુ હતું. ડાકોરના ઠાકોરને વિવિધ તહેવારોએ અનેક પ્રકારના શણગાર કરવામાં આવે છે. સંવત ૧૨૧૨માં ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન રણછોડરાયજી સ્વયં ગાડામાં બેસી બોડાણા સાથે ડાકોર પધાર્યા હતાં. ભગવાન ડાકોર પધાર્યા તેને આજે 864 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઇ આજ રોજ કાર્તિકી પૂર્ણિમાએ શ્રી રણછોડરાયપ્રભુને અણમોલ ઝવેરાત અને દુર્લભ રત્નોયુક્ત કલાત્મક મુગટ ધરાવવામાં આવ્યો છે. જે મુગટ ધારણ કરેલા ભગવાનના દર્શનનો ભાવિકોમાં વિશેષ મહિમા રહેલો છે. આ અતિકિંમતી મુગટથી શોભાયમાન શ્રીજીપ્રભુના દર્શન કરવા ભક્તો દુરથી આવે છે. આ સાથે જ ભગવાનની નજર પણ ઉતારવામાં આવે છે. આ દુર્લભ મુગટની કિંમત જે તે સમયમાં સવાલાખ હતી. આ મુગટ વર્ષમાં ફક્ત 3 વખત જન્માષ્ટમી, શરદ પૂર્ણિમા અને આજે દેવદિવાળીએ ધરવામાં આવે છે.